ગળતેશ્વરના અંગાડી સબ માઈનોર કેનાલનું ગાબડું રિપેરિંગ કરવા માંગ
- નહિવત્ વરસાદના લીધે ખેતરોમાં પાણી નથી
- 4 ગામના 300 ખેડૂતોની 500 વીઘા જમીનમાં ચોમાસામાં પિયતના અભાવે પાક નિષ્ફળ જવાનો ભય
વણાંકબોરી ડેમથી નીકળી ડાભસર તરફ આવતી મુખ્ય મહિકેનાલમાંથી ડાભસર, અંગાડી, ચપટીયાં, કસ્બા જેવા ગામોના ખેડૂતોને બારે માસ પાણી ખેતરોમાં પિયતનું પાણી લેવા માટે સબ માઇનોર નંબર એક કાઢવામાં આવી છે. ચાલુ ઉનાળામાં આ સબ માઇનોરનો ગેટ અને આરસીસીની પાળમાં મોટુ ભુવાળું પડતા આખી દીવાલ તૂટી ગઈ છે. ત્યારે અત્યારે ડાંગરની સીઝન આવી ગઈ હોવા છતાં આ સબ માઇનોરને રિપેરિંગ કામ કરવામાં ના આવતા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી શકે તેમ નથી. ખેતરોમાં ડાંગરના ધરુ તૈયાર થઈ રહ્યા છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં નહિવત વરસાદ પડવાના કારણે હજુ ખેતરો વરસાદી પાણીથી ભરાયા નથી. અને હજુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા નથી જેથી ડાંગરની રોપણી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી એટલે આ વિસ્તાર ના ચાર ગામોના ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ના જાય તે માટે સબ માઇનોરની પાળમાં આ વળાંકમાં પડેલું મોટુ ગાબડું પુરી દીવાલને પાણીનો પ્રવાહ જઈ શકે એવી મજબૂત પાળ બનાવાય તો જ ચાર ગામના ૩૦૦થી વધુ ખેડૂતો ૫૦૦ વીઘા જમીનમાં વાવેતર કરી શકે તેવી માંગણી કરી રહ્યા છે. આ સબ માઇનોરના લીધે ખેડૂતોનું મોંઘા ભાવનું ધરુ બગડી જાય તેવી પરિસ્થિતિ તો હાલ ઉભી થઈ છે.