જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજપુરવઠો આપવા માંગણી
- માતર તાલુકાના દેથલી પંથકના સીમ વિસ્તારમાં
- એગ્રીકલ્ચર વીજ લાઈનમાંથી ઘર વપરાશ માટેના જોડાણ આપ્યા હોઇ વારંવાર વીજળી ડૂલ
સરકાર દ્વારા ઘર વપરાશ માટે ૨૪ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોને જ્યોતિગ્રામ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય બાબુભાઈ સોલંકીએ જણાવ્યું છે કે સિંજીવાડા વિસ્તારના દેથલી, માલાવાડા, સીંજીવાડા, ભલાડા વગેરે ગામની સીમ વિસ્તારના રહીશોને એગ્રીકલ્ચર લાઈનમાંથી ઘર વપરાશના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. જેથી છેલ્લા ઘણા દિવસોથી સાંજના પાંચ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. સંધ્યાકાળે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે.
આ વીજ ધાંધિયા દૂર કરવા સીમ વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ઘર વપરાશના વીજ કલેક્શનોને આવરી લેવા માંગણી કરવામાં આવી છે. હાલમાં સીમ વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે. જેના કારણે લોકો મેલેરિયાની બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ ગામના સીમ વિસ્તારમાં જ્યોતિ ગ્રામ યોજનાની વીજ લાઈન નાખી ૨૪ કલાક વીજ પુરવઠો આપવા કાર્યપાલક ઇજનેર, એમજીવીસીએલ નડિયાદને રજૂઆત કરવામાં આવી છે.