ગોધરા, વડોદરાથી આણંદ જતી ટ્રેનને નડિયાદ સુધી લંબાવવા માંગણી
- આણંદ-વડોદરા મેમુને પણ નડિયાદ સુધી લંબાવી જરૂરી
- નડિયાદ અને આણંદ વચ્ચે અપૂરતી બસ સુવિધાના ઉકેલ માટે રેલવે સેવાના વિસ્તરણની તાતી જરૂર
આણંદ અને નડિયાદ જિલ્લાના મુખ્ય શહેરોમાં ઘણા લોકો ધંધાર્થે તેમજ અભ્યાસ માટે અવર જવર કરે છે. આણંદ-ગોધરા, આણંદ-ખંભાત તેમજ આણંદ-વડોદરા મેમુ ટ્રેન આણંદ રેલવે પ્લેટફોર્મ પર આવીને પડી રહે છે ત્યારે વડોદરા, ગોધરા તેમજ ખંભાતથી આણંદ ની ટ્રેનને નડિયાદ લંબાવવામાં આવે તો બંને જિલ્લાના મુસાફરોને ઘણી રાહત થાય, નડિયાદથી યાત્રાધામ ડાકોર જવા માટે લોકોને સસ્તા ભાડામાં સુવિધાયુક્ત વિકલ્પ મળી રહે ઉપરાંત નડિયાદથી વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં અભ્યાસ કરવા વિદ્યાનગર જાય છે ત્યારે આણંદ-ખંભાત ટ્રેનને નડિયાદ લંબાવવાથી તેઓને વલ્લભવિદ્યાનગર જવા ઘણી જ સરળતા રહે આ ઉપરાંત પેટલાદ, ખંભાત, ગોધરા, ડાકોર, ઉમરેઠ તરફના પ્રવાસીઓને નડિયાદ સાથે સીધી રેલવે સેવા આશીર્વાદ સમી બની રહેશે. આ સાથે આણંદ-વડોદરા મેમુને પણ નડિયાદ સુધી લંબાવી જોઈએ જેથી નડિયાદથી વડોદરા અપડાઉન કરનારાઓને વધારાની ટ્રેનની સુવિધા મળવાની સાથે રેલવે તંત્રની આવકમાં પણ વધારો થશે. આ માટે નડિયાદ ખાતે પ્લેટફોર્મ ૩નો ઉપયોગ આણંદ-ગોધરા માટે તેમજ પ્લેટફોર્મ ૪ ઉપર બ્રોડગેજ પાટા નાખીને આણંદ-ખંભાત ટ્રેન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાય તેવી લોકોમાં લાગણી વ્યાપી છે.