બોટાદની બાળાના દુષ્કર્મ અને હત્યાના કેસના આરોપીને ફાંસીની સજા કરવા માંગ
- સમસ્ત દેવીપૂજક સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
- વાસી ઉત્તરાયણે બાળા પતંગ લૂંટવા ગઈ હતી ત્યારે દુષ્કર્મ બાદ હત્યા થઈ
ઉત્તરાયણના બીજા દિવસે બોટાદ ખાતે દેવીપૂજક સમાજની બાળા પતંગ લુંટવા ગઈ હતી ત્યારે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં સમસ્ત દેવીપુજક સમાજ ખેડા દ્વારા વિશાળ રેલી કાઢી આરોપીને ફાંસીની સજાની માગણી જેવા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા.
બાદમાં દેવીપૂજક સમાજના અગ્રણીઓએ પ્રાંત કચેરીમાં પહોંચી પ્રાંત અધિકારી ખેડાને બોટાદમાં પતંગ લૂંટવા ગયેલ દેવીપૂજક નવ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાના બનાવ અંગે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં અમાનવીય બનાવમાં બાળાના બળાત્કારી અને હત્યારા વિરુદ્ધ નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમજ તાત્કાલિક ન્યાયી કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી હતી.