વડોદરા - ગોરખપુર હોલી ડે સ્પેશિયલ ટ્રેનને ડેઇલી કરવા માટે માગ
- અયોધ્યા, વારાણસી અને નેપાળ જવા માટે પ્રવાસીઓનો ધસારો
- વડોદરાથી ઉપડતી હોય તેવી ઉત્તર ભારતની માત્ર એક જ ટ્રેન છે તે પણ સપ્તાહમાં માત્ર એક વખત દોડે છે
વડોદરામાં હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીયો દાયકાઓથી રહે છે એટલે વડોદરાથી ઉપડતી હોય તેવી ઉત્તર ભારતની ડેઇલી બે ટ્રેનો માટે ઘણા વર્ષોથી માગ થઇ રહી છે પરંતુ રેલવે તંત્રને વડોદરાનો અવાજ સંભળાતો નથી. હવે અયોધ્યાના કારણે ઉત્તર ભારત તરફના પ્રવાસીઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રેલવે પેસેન્જર એસોસિએશનના ઓમકારનાથ તિવારીનું કહેવું છે કે તાજેતરમાં જ રેલવે દ્વારા વડોદરા-મઊ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ દોડાવવામાં આવી હતી. બન્ને ટ્રીપમાં ટ્રેનની બેઠક ક્ષમતા કરતા પ્રવાસીઓની સંખ્યા ૧૫૦ ટકા કરતા વધુ હતી જ્યારે બન્ને ટ્રીપમાં મળીને રેલવેને ૩૮.૮૩ લાખની આવક થઇ છે. જે બતાવે છે કે ઉત્તર ભારત તરફની ટ્રેનમાં રેલવેને વડોદરાથી પુરતા પેસેન્જર મળી રહે છે. અગાઉ પીટ લાઇની સમસ્યા હતી. રેલવેની દલીલ હતી કે લોંગ રૂટની ટ્રેનના મેઇન્ટેનન્સ માટે પીટલાઇન નહી હોવાથી સમસ્યા આવે છે એટલે ટ્રેન શરૂ નથી થતી પરંતુ ચાર વર્ષ પહેલા પીટ લાઇન પણ બની ગઇ અને પ્રતાપનગર યાર્ડમાં મેઇન્ટનેનન્સની પણ પુરતી સુવિધા છે એટલે એ સમસ્યા પણ નથી.
હાલમા વડોદરાથી વારાણસી વચ્ચે એકમાત્ર વીકલી ટ્રેન મહામના એક્સપ્રેસ દોડી રહી છે. વડોદરા-ગોરખપુર અને વડોદરા-મથુરા વચ્ચે ડેઇલી ટ્રેન શરૂ કરવી જોઇએ જેના કારણે અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જવા માગતા પ્રવાસીઓને સરળતા રહે આ ઉપરાંત નેપાળ પ્રવાસે જવા માગતા પ્રવાસીઓને પણ ગોરખપુરથી સીધુ કનેક્શન મળી જાય.