ખેડા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો વેપલો કરનાર સામે પગલાં લેવા માંગ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો વેપલો કરનાર સામે પગલાં લેવા માંગ 1 - image


- ખેડા જિલ્લો ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનું હબ 

- જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા 

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત જિલ્લાના સંખ્યાબંધ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળના દૂષણે માઝા મૂકી છે. આ ભેળસેળ કરનારા તત્વો તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં છેલ્લા છ-સાત મહિનાથી નડિયાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો ઝડપાઈ રહ્યા છે.

તાજેતરમાં મહેમદાવાદ રોડ અને કમળા રોડ પર લોટમાં કેમિકલ ભેળવી હળદર-મસાલા બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં હરિયાણા અને મધ્યપ્રદેશથી રેશનિંગના ઘઉં તથા ચોખાનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરી આ જથ્થો લાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

ઉપરાંત હાલમાં માતર જીઆઇડીસીમાંથી નકલી ઇનો બનાવવાની તથા નડિયાદના કંજોડા ગામમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી. અલીન્દ્રા ગામમાંથી નકલી બાયો-ડીઝલ પકડાયું હતું. તેમજ ગત અઠવાડિયામાં નશાકારક આયુર્વેદિક સિરપના કારણે ૬ લોકોના મોત નિપજ્યા હતા.

ત્યાં જ મંગળવારે કપડવંજ તાલુકામાંથી ભેળસેળયુક્ત ખાદ્યતેલના એક હજાર જેટલા ડબ્બા અને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ લેબલો મળી આવ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાને ગુનાહિત પ્રવૃત્તી કરનારાઓ માટે સલામત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ રોકવા માટે અવારનવાર દરોડા પાડી સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ તેના રિપોર્ટ તૈયાર કરવામાં ખૂબ જ લાંબો સમય પસાર થઇ જાય છે. ત્યાં સુધીમાં ભેળસેળયુક્ત ખાદ્યચીજોનો જથ્થો સેંકડો લોકોના ઘર સુધી પહોંચી ગયો હોય છે અને આરોગી ચૂક્યા હોય છે. 

ત્યારે ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા શખ્સો તથા  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જિલ્લા કલેક્ટર પાસે માંગ કરાઈ છે. 


Google NewsGoogle News