આણંદ જિલ્લામાં શાંતિ ડહોળતા વિધર્મીઓ સામે કાર્યવાહીની માંગ
- લવ અને લેન્ડ જેહાદ સહિતના મુદ્દે આવેદપત્ર અપાયું
- મોટી સંખ્યામાં ભેગા થયેલા હિન્દુ સમાજના લોકોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી
આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરીને કરાતા છમકલાં સહિતના મુદ્દે હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો આણંદના જાગનાથ મહાદેવ મંદિરે એકઠા થયા હતા. બાદમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી વિધર્મીઓની ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા માંગણી કરાઈ હતી.
આણંદ જિલ્લાના હિન્દુ સમાજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં થોડા સમયમાં વિધર્મીઓ દ્વારા કોઈને કોઈ બહાને હિન્દુ સમાજને ઉશ્કેરીને છમકલાંઓ કરાઈ રહ્યા છે. વિદ્યાનગર સહિત આણંદ જિલ્લાની કોલેજો આસપાસ વિધર્મીઓ દ્વારા લવ- જેહાદમાં હિન્દુ દીકરીઓને ભોળવી- ફસાવાઈ રહી છે.
એથી વધારે જિલ્લામાં ચાલતા ગેરકાયદે કતલખાના સહિતના અનૈતિક ધંધાઓ પણ વધી રહ્યા છે. બીજી તરફ લેન્ડ- જેહાદ જેવા ષડયંત્ર પણ જિલ્લામાં આકાર પામ્યો છે. ત્યારે વિધર્મીઓની વિવિધ સંસ્થાઓમાંથી ફંડિંગ ક્યાંથી આવે છે તેની તપાસ કરાય જેની તપાસ એનઆઈએને સોપાય તેવી માંગણી કરાઈ છે.આણંદ જિલ્લાની શાંતિને ઠેસ પહોંચાડનાર વિધર્મી લોકોને ઓળખી યોગ્ય ઉચીત કાયદેસરની કાર્યવાહી કરી સમાજમાં શાંતિ, સલામતી રહે તેવી ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી સાથેની રજૂઆત હિન્દુ સમાજે કરી છે.