સેવાલિયામાં 19 દુકાનોના વજન કાંટામાં ક્ષતી બહાર આવતા રૂ. 18,500 નો દંડ
- 50 દુકાનોમાં વજનકાંટાનું ચેકિંગ હાથ ધરાયું
- સેવાલિયાની નજીકમાં વજનકાંટો છાપવાની કચેરી શરૂ કરવા વેપારીઓની માંગ
સેવાલિયામાં વજન માપ મદદનીશ નિયંત્રક કાનૂની માપ દ્વારા ૫૦ જેટલી દુકાનોમાં વજન કાંટાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ દુકાનોમાં કાંટામાં ક્ષતી બહાર આવી હતી. જેથી આ દુકાનદારો પાસેથી રૂ.૧૮,૫૦૦ જેટલી રકમનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઉપરાંત કેટલાક વેપારીઓએ નવો કાંટો ખરીદેલો હોય અને તેમની પાસે બિલ હોય પરંતુ ખરાઈનું સરકારી પ્રમાણપત્ર ના હોય તેવા વેપારીઓ પણ દંડાયા હતા.
ત્યારે વજન કાંટો છાપવાની મુદ્દત એક વર્ષે પુરી થતી હોવા અંગે સરકાર કે લાયસન્સ હોલ્ડર દ્વારા જાણ ના કરાતી હોવાથી વેપારીઓ દંડાય છે તેવા આક્ષેપો વેપારીઓએ લગાવ્યા હતા.
વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, ગળતેશ્વર તાલુકામાં વજન કાંટો છપાવવા માટેની કચેરી ના હોવાના કારણે સેવાલિયા તથા આસપાસના વિસ્તારના વેપારીઓને ૫૫ કિલોમીટર દૂર કપડવંજ સુધી કાટો છપાવવા માટે જવું પડે છે. આખો દિવસ ધંધો બંધ રાખીને કપડવંજ સુધી જવું પડતું હોવાથી સમય અને નાણાંનો વ્યય થાય છે. તેથી સેવાલિયા નજીકમાં કાંટો છપાવવાની કચેરી શરૂ કરવા માંગ ઉઠી છે.