ડાકોર મંદિરે દિવાળીના તહેવારોને લઇ દર્શન સમયમાં ફેરફાર કરાયો
- મંદિર સહિત પરિસરને રંગબેરંગી રોશનીઓનો શણગાર કરાયો
- વાઘબારસ, ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ તથા ભાઈબીજના દિવસે દર્શનના સમયમાં વધારો કરાયો
ડાકોર : યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આગામી સમયમાં આવી રહેલા દિવાળી પર્વમાં ભક્તો દર્શનો સારો લાભ મેળવી શકે તે માટે ફેરફાર કરાયો છે. દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં તહેવારના પાંચ દિવસના સમયમાં વધારો કરતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી છે.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજીના દર્શમાં ફેરફાર કરાયો છે. જેમાં દિવાળી તહેવારના વાઘબારસ, ઘનતેરસ, ભાઇબીજ, દિવાળી અને બેસતા વર્ષના દિવસના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં ૬ઃ૩૦ વાગે નિજમંદિર ખુલ્લી ૬ઃ૪૫ ના અરસામાં મંગળા આરતી કરવામાં આવશે, ૬ઃ૪૫ થી ૯ઃ૩૦ દર્શન ખુલ્લા રહેશે. આ બાદ ૯ઃ૩૦ થી ૧૦ઃ૦૦ સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ,ગ્વાલભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.૧૦ઃ૦૦ થી ૧૧ઃ૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બીરાજશે. આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. બપોરના ૩ઃ૪૫ વાગ્યે નીજમંદિર ખુલશે.૪ઃ૦૦ થી ૫ઃ૪૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.૫ઃ૪૦ થી ૬ઃ૦૦ સુધી ઠાકોરજી શયનભોગ સડીભોગ આરોગવા બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. ૬ઃ૦૦ થી ૬ઃ૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. ૬ઃ૩૦ થી ૭ઃ૧૫ સુધી ઠાકોરજી સખડીભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. ૭ઃ૧૫ વાગ્યા સખડીભોગ દર્શન ખુલ્લી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને દર્શાનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે.તા.૪-૧૧-૨૦૨૧ ના રોજ દિવસ દરમ્યાનના સમય સહિત રાતના ૮ઃ૦૦ થી ૧૦ઃ૦૦ વાગ્યા સુધી હાટડીના દર્શન ખુલ્લા રહેશે. રાતના ૧૦ઃ૦૦ પછી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે. આ સમયે મંદિર પ્રવેશ દર્શાનાર્થી માટે હંધ રહેશે. યાત્રાધામ ડાકોર મંદિરને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ. દિવાળી તહેવારો દરમ્યાન દર્શનાર્થીઓ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી શકે તે માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.