Get The App

નડિયાદ પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં સ્કૂલના બાળકોની જોખમી મુસાફરી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
નડિયાદ પાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં સ્કૂલના બાળકોની જોખમી મુસાફરી 1 - image


- બાળકો વાહનની પાછળ લટકીને જતા હોવાનો વીડિયો વાયરલ

- ગંભીર બેદરકારી બદલ નગર પાલિકાએ વાહનના ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂક્યો

નડિયાદ : નડિયાદમાં નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં શાળાના બાળકો ટીંગાયા હતા. ડ્રેનેજ વિભાગના વાહનમાં ડ્રાઈવરની બાજુની સીટમાં ૪ બાળકો બેઠા હતા અને પાછળ ૪ બાળકો લટકાઈને જોખમી રીતે પસાર થઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ નગરપાલિકા દ્વારા ડ્રાઈવરનો ખુલાસો પૂછયા બાદ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના મલ્ટી પર્પઝ જેટિંગ વાહનમાં આજે શાળાના બાળકોની જોખમી મુસાફરીની ઘટના સામે આવી છે. વાહનની આગળની બાજુએ ૪ બાળકો અને પાછળની બાજુએ ૪ બાળકો લઈ જવાતા હતા. જે પૈકી પાછળની બાજુએ બાળકો હતા તે ઊભા ઉભા શટલની જેમ મુસાફરી કરતા હતા. આ બાબતે વાહન ચાલકને પશ્ચિમ વિસ્તારના મીશન રોડ પરના ચર્ચ પાસે અટકાવી પુછપરછ કરતા પાછળ જોખમી રીતે ઊભા રહેલા બાળકો કેવી રીતે વાહનમાં આવ્યા તેનો કોઈ અંદાજો ન હોવાનું જણાવ્યું હતું. 

આ બનાવ ઉજાગર થતાં આ મામલે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું કે, આ વાહનનો ચાલક મહેશ વાઘેલા છે અને તે પાલિકામાં ડ્રેનેજ વિભાગમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તે ડ્રાઈવરનો ખુલાસો પુછવામાં આવશે અને શિસ્તબદ્ધની કાર્યવાહી પણ કરવામાં આવશે. જરૂર પડે તો સસ્પેન્ડ પણ કરાશે અને આવી ભૂલ ફરી વખત કોઈ પાલિકાના ડ્રાઈવર ન કરે તે માટે તમામને નોટીસ આપી સાવચેત પણ કરાશે. આ વચ્ચે મોડી સાંજે ડ્રાઈવરને છૂટો કરી દેવાના આદેશ આપી દેવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.


Google NewsGoogle News