નડિયાદમાં રખડતા પશુઓના અડિંગાથી અકસ્માતનો ભય
- લાખોના ખર્ચે ઢોરવાડો બનાવ્યો છતાં
- ઢોરવાડામાં માત્ર 70 પશુઓ હોવાથી પાલિકાની કામગીરી સામે સવાલ
નડિયાદ શહેરમાં રખડતા ઢોર અંગે અરજદાર મૌલિકકુમાર શ્રીમાળીએ ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરી હતી. જે બાદ હાઈકોર્ટે નડિયાદ પાલિકાને ઉધડો લઈ નડિયાદની સ્થિતિ આ મામલે ખરાબ હોવાની ટકોર કરી હતી.
હાઈકોર્ટની ફટકાર બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ તાત્કાલિક લાખોના ખર્ચે ઢોરવાડો બનાવ્યો હતો અને ૧૩૦થી વધુ ગાયોને પૂરી હતી. હાલમાં ઢોરવાડામાં ૭૦ જેટલા પશુઓ છે, જેમાંથી મોટાભાગના વસુકી ગયેલા પશુઓ છે.
હાલમાં શહેરના સંતરામ રોડ, શીતલ સિનેમા ગ્રાઉન્ડ પાસે, પારસ સર્કલ પાસે, ગ્લોબ સિનેમાથી રબારીવાડ, મીલ રોડ સર્કલ પાસે, પીજ રોડ, કપડવંજ રોડ, વાણિયાવાડ રોડ સહિતના વિસ્તારોમાં રખડતા પશુ અડિંગો જમાવીને બેસે છે. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે.
જેથી પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. તેમજ લાખોના ખર્ચે બનાવેલા ઢોરવાડામાં રખડતા પશુઓને પુરવા માંગ ઉઠી છે.