ડાકોર પાલિકા પાસે માત્ર એક જ વૉટર બ્રાઉઝર, બે વાહનો બંધ
- ફાયર સેફ્ટી અંગે ચેકિંગ નહીં કરાતા રોષ
- સાંકડી ગલીઓમાં ફાયર બ્રિગેડનું વાહન પહોંચી શકે તેવા સાધનો નહીં હોવાથી મોટી દુર્ઘટના વખતે મુશ્કેલી
યાત્રાધામ ડાકોરમાં વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ગામમાં ઠેર ઠેર ગેસ્ટ હાઉસ, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ખાણીપીણીની લારીઓ, દવાખાના આવેલા છે. જેમાંથી મોટા ભાગના સ્થળોએ ફાયર સેફ્ટીની વ્યવસ્થા ના હોવાની ફરિયાદો ઉઠી છે. હાલમાં વેકેશન ચાલતું હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ડાકોર આવતા હોય છે. ત્યારે ડાકોરમાં જો કોઈ સ્થળે આગ લાગે તો સાંકડી ગલીઓમાં ફાયર બ્રિગેડનું વાહન જઈ શકે તેમ નથી. ડાકોર નગરપાલિકા પાસે હાલ ફાયર સેફ્ટી માટે મોટું વોટર બ્રાઉઝર સિવાય કોઈ વ્યવસ્થા નથી. છેલ્લા ઘણા સમયથી ફાયર બ્રિગેડના બે વાહનો બંધ હાલતમાં પડયાં છે. રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટયા બાદ પણ ડાકોરમાં પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગેની કોઈ તપાસ હાથ ધરવામાં ના આવી હોવાની કે કોઈ પગલાં લેવામાં ના આવ્યા હોવાના આક્ષેપો નગરજનોમાંથી ઉઠી રહ્યાં છે. ત્યારે આ અંગે સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.