ડાકોરની ડોન બોસ્કો સ્કૂલના આચાર્યની મનમાની ખેત મજૂરના પુત્રને પરીક્ષામાં બેસવા ન દીધો
- વિદ્યાર્થી રડીને કરગર્યો છતાં આચાર્ય એકના બે ન થયા
- શ્રમજીવી પરિવારે જેમતેમ કરીને સ્કૂલમાં ફી ભરી છતાં 4 વિષયની પરીક્ષા આપવા ન દેતા સોનેરી વર્ષ બગડયું
રાજ્યમાં ધો. ૧થી ૯ની વાર્ષિક પરીક્ષા તા.૧૬.૪.૨૦૨૨થી શરુ થઇ ગઇ છે. ત્યારે ડાકોર મહુધા રોડ પર આવેલી ડોન બોસ્કો સ્કુલમાં ઠાસરા તાલુકાના વણોતી ગામે ખેતરમાં મજૂરી કરનાર કરણ પરમારનો દિકરો પ્રતિક ડોન બોસ્કો સ્કુલમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે. કોરોના કાળ દરમ્યાન સરકાર દ્વારા ફી ન લેવા અંગેનો પરિપત્ર બહાર પડાયો હતો. જેની ધરાર અવગણના કરી શાળાના આચાર્ય એલ્સન ક્રિશ્ચિયન દ્વારા કરણભાઇ પાસે રૂા. ૨૫૦૦ ફીની માંગણી કરી હતી. તે સમયે કરણભાઇએ પૈસા ન હોવાનું અને વધુ મજુરી મહેનત કરી ખેતરમાં ઉગેલો પાક વેચીને જલ્દીથી ફી ભરી દેવાની હૈયાધારણા આપી હતી.
એ પછી કરણભાઇએ ચાલુ વર્ષની રૂા.૧૩૭૫ ફી જેમ તેમ કરીને ભરી દીધી હતી. તેમ છતાં શાળાના આચાર્યએ ફી ન ભરી હોવાનું જણાવી પ્રતીકને ૧૬.૪.૨૦૨૨થી શરૂ થયેલી પરીક્ષાના ૪ વિષયના પેપરમાં બેસવા દીધો ન હતો. પ્રતીક ઘણું રડયો, કરગર્યો, ફી ભરી દીધાની પહોંચ પણ બતાવી, તેમ છતાં આચાર્યએ પ્રતીકને પરીક્ષા આપવા દીધી ન હતી. જેને કારણે કરણનું આ સોનેરી એક વર્ષ બગડયું છે. જે કારણે આ હોશીયાર પ્રતીક ધોરણ ૧૦માં પ્રવેશ મેળવી નહીં શકે અને તેનું ભવિષ્ય ધુંધળું બન્યું છે. આ આખી બાબતે પ્રિન્સીપાલની લુકાછુપી જોવા મળી હતી. તેમનો રૂબરૂ સંપર્ક કરતા તે પોતાની ઓફિસે લોક મારીને ભાગી છૂટયા હતા અને ટેલિફોનિક સંપર્ક કરતા પણ ફોન ઉપાડયો ન હતો. જ્યારે મેનેજમેન્ટે આ બાબતે ચુપકીદી સેવી હોવાની લોકચર્ચા ઉઠી છે.
મારો દીકરો ધોરણ 10 માં પણ પ્રવેશ મેળવી નહીં શકે : પિતા
પીડીત વિદ્યાર્થી પ્રતિકના પિતા કરણભાઇ પરમારના જણાવ્યા મુજબ કોરોના કાળ દરમ્યાન ફાધર દ્વારા રપ૦૦ રૂા.ફીની માંગણી કરાઇ હતી. પરંતુ સરકાર દ્વારા ફી ન લેવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે અંગે મે ફાધરને કહેતા તે ગુસ્સે થઇ ગયા હતા અને તમને કશું ખબર ન પડે તમે ફી ભરો તો જ દિકરો શાળાએ આવી શકશે એમ જણાવ્યું હતું. જો કે કોરોના કાળમાં પૈસા ન હોવાને કારણે મેં ખેતરનો પાક વેચીને પણ ફી આપી દઇશ તેમ જણાવ્યું હતું. તે પછી ફી ભરી હોવા છતાં આજે દિકરાને ૪ પેપરની પરીક્ષા આપવા દીધી ન હતી. જેન કારણે મારા દિકરાનું મહત્વનું એક વર્ષ બગડયું છે અને હવે એ દસમા ધોરણમાં પણ પ્રવેશ નહીં મેળવી શકે.
વણોતી ગામે ખખડધજ મકાનમાં રહેતા પીડીત વિદ્યાર્થી પ્રતિકનો પરિવાર આ ઘટનાને કારણે મોટી મુશ્કેલીમાં આવી ગયો છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓની એક બીજાને ખો
ડોન બોસ્કો સ્કુલમાં થયેલ વિવાદ બાબતે શાસનાધિકારી કે.પી. પટેલ અને શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા બંને ગોળ ગોળ જવાબ આપી એકબીજાને ખો આપતા જોવા મળ્યા હતા. જ્યારે ઠાસરા તાલુકા શિક્ષણ અધિકારી અસારીનો સંપર્ક કરતા તેમને આ બાબત મારાવિષયમાં કે મારી જવાબદારીમાં ન આવતું હોવાનું કહી હાથ ઊંચા કરી દીધા હતા.
પ્રિન્સીપાલ અગાઉ દારૂના નશામાં ઝડપાયા હતા
સ્કુલના આચાર્ય અને ફાધર એલ્સન ક્રિશ્ચિયન થોડા સમય અગાઉ જ દારુ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેમની પાસેથી દારુની બોટલો પણ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત આ બાબતે આચાર્ય પોલીસ હીરાસતમાં પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.