Get The App

દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગતા દોડધામ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગતા દોડધામ 1 - image


- દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પરનો બનાવ

- મુસાફરો સમયસર કોચમાંથી ઉતરી જતા જાનહાનિ ટળી ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી, ટ્રેન વ્યવહાર 3 કલાક ખોરવાયો

દાહોદ  : દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી આગ ફીટ નીકળતા ટ્રેનમાં બેસેલા અને સ્ટેશન ઉપર ઉભેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી જો કે કોચમાં શરૂઆતમાં ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે મુંબઇ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર આશરે ૩ કલાક ખોરવાયો હતો. ટ્રેન નંબર ૦૯૩૫૦ દાહોદ-આણંદ સ્પેશિયલ મેમુ તેના નિર્ધારીત સમયે સવારના ૧૧.૩૮ કલાકે આણંદ તરફ રવાના કરી દેવામાં આવી હતી. આ ટ્રેન પોણા બાર વાગ્યાના સુમારે દાહોદ થી ૧૦ કિલોમીટર દૂર જેકોટ ખાતે જઈને ઉભી રહી હતી. તે દરમિયાન ટ્રેનના પાછળના એન્જિન સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસ કોચમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા કોચમાં સવાર મુસાફરો ભયભીત થયા હતા અને સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા જે બાદ થોડીક જ ક્ષણોમાં કોચમાં આગ ફાટી નીકળી હતી.જેના પગલે મુસાફરોમાં બુમાબુમની સાથે દોડધામ મચતા રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે આ દરમિયાન ટ્રેનને આગળ જવા ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યુ હતુ પરંતુ ટ્રેન આગળ ન જતા શું થયું તે જોવા નીકળેલા સ્ટેશન માસ્તરને ટ્રેનના પાછળના ભાગે ધુમાડાની સાથે આગ જોવા મળતા તેઓએ તાબડતોડ બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ રતલામ કંટ્રોલને કરતા રેલવેના સંબંધિત વિભાગોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. દરમિયાન રેલવે તંત્રએ તુરંત કોલ કરીને દાહોદ ફાયર બ્રિગેડને બોલાવી લીધુ હતું. ફાયર બ્રિગેડને મેમુ ટ્રેનના કોચમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેતા બે કલાકનો સમય લાગ્યો હતો. આ ઘટના ડાઉન ટ્રેક પર બની હોવા છતાં રેલવેએ સુરક્ષાની દ્રષ્ટિએ બંને તરફનો રેલમાર્ગ બંધ કરી ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. આગ એન્જિન સાથે જોડાયેલા કોચમાં લાગી હતી જેની અસર પાછળના બે કોચમાં પણ થઇ હતી એટલે રેલવેએ આગની અસરમાં આવેલા ૩ કોચને ટ્રેનમાંથી છુટ્ટા કરીને ટ્રેનને આણંદ તરફ રવાના કરી હતી જે બાદ દિલ્હી-મુંબઇ વચ્ચેનો રેલ વ્યવહાર ચાલુ થયો હતો.જો કે આણંદ-ડાકોર મેમુને રદ્દ જાહેર કરવામાં આવી હતી. તો કેટલીક ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી સંચાલિત કરવામાં આવી હતી.

 રેલવે તંત્રએ હવે આગ અંગેના કારણો જાણવા માટે તપાસ સમિતિની રચના કરી છે.


Google NewsGoogle News