Get The App

ખેડા જિ.પં.ના સિંચાઈ વિભાગના અધિકારીઓ અને 4 કોન્ટ્રાક્ટરો સામે ગેરરીતિની કોર્ટમાં ફરિયાદ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ખેડા જિ.પં.ના સિંચાઈ વિભાગના અધિકારીઓ અને 4 કોન્ટ્રાક્ટરો સામે ગેરરીતિની કોર્ટમાં ફરિયાદ 1 - image


- નડિયાદના અરજદારે સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

- કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ અને 4 કોન્ટ્રાક્ટરોને નોટિસ : આગામી સુનાવણીમાં તમામને હાજર રહેવા કોર્ટનો હુકમ 

નડિયાદ : ખેડા જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગ અને તેમાં કામ કરતા ચાર કોન્ટ્રાક્ટરો દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા કામોમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરરીતિ આચરી હોવાની નડિયાદના અરજદારે નડિયાદ સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ સંદર્ભે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ અને ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ કાઢવામાં આવી છે. તેમજ આગામી તા.૨૭ ડિસેમ્બરના રોજ તમામ આક્ષેપિતોએ કોર્ટમાં હાજર રહેવા નોટિસમાં જણાવાયું છે. 

નડિયાદના અરજદાર શૈલેષ પટેલે જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગ અને તેમાં કામ કરતા ૪ કોન્ટ્રાક્ટરો સામે નડિયાદ સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહુધાના બગડુમાં જીનલ સી. પટેલ દ્વારા રૂ.૭.૪૪ લાખના ખર્ચે એફ.પી.વોલ ઓન ટેન્ક, મહેશ બી. પટેલ દ્વારા પીજના કપિલેશ્વર મહાદેવ મંદિરે રૂ.૧૭.૧૪ લાખના ખર્ચે એફ.પી. વોલ અને નડિયાદના ચલાલીમાં રૂ.૧૭.૮૮ લાખના ખર્ચે એફ.પી. વોલ ઓન ટેન્ક, હિન્દ એન્ટરપ્રાઈઝ દ્વારા કેરિયાવીના આનંદપુરા રોડ પર રૂ.૧૨.૯૧ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ ઓન ટેન્ક અને મરીડામાં રૂ.૧૨.૧૭ લાખના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ એફ.પી.વોલ ઓન ટેન્ક કેમજ એમ.એસ. ટ્રેડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન દ્વારા નડિયાદના સુરાશામળમાં રૂ.૧૨.૧૭ લાખના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ એફ.પી.વોલ ઓન ટેન્ક બનાવવામાં આવી છે. આ કામોમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ કરી છે. તેમજ એજન્સીઓએ કરેલા કામ સરકારી ધારાધોરણોની વિરૂદ્ધ સરકારી બાંધકામો સબ સ્ટાન્ડર્ડ કરેલા હોવાનું, અધિકારીઓએ ગેરહાજર રહી અને કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ, રેતી, કપચી, ઈંટો પૂરતા પ્રમાણમાં સરકારી નિયમો મુજબ ઉપયોગ ન કરી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ લગાવ્યા છે. તેમજ સરકારી નાણાં ગબન કરતી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી છે.

આ ફરિયાદ સંદર્ભે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ અને ચાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તેમજ આગામી તા.૨૭ ડિસેમ્બરના રોજ આ મામલે તમામ આક્ષેપિતોએ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.  આ અંગે કોન્ટ્રાક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈ વિઘ્નસંતોષીઓ દ્વારા આ પ્રકારે ફરિયાદ કરાવાઈ હશે. અમે જે કામ લીધા હતા, તે સ્થળ પર પૂરા કરી દીધેલા છે. જેથી ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. જ્યારે કોન્ટ્રાક્ટર જીનલ પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદમાં કોઈ તથ્ય નથી. અમે જે કામ લીધા તે પૂરા કર્યા છે. સ્થળ પર કામ ન કર્યું હોય તેવું છે નહીં. કામ કર્યું હોય તે અધિકારીની જાણમાં જ હોય અને અધિકારી દ્વારા ચોક્કસાઈ કર્યા બાદ ચુકવણું કરાયું હોય. 


Google NewsGoogle News