Get The App

ઉર્સના મેળામાં કબ્રસ્તાનમાં મંજૂરી વગર રાઈડ્સ ઊભી કરાતા વિવાદ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
ઉર્સના મેળામાં કબ્રસ્તાનમાં મંજૂરી વગર રાઈડ્સ ઊભી કરાતા વિવાદ 1 - image


- વિરપુરના ટ્રસ્ટીઓના વારસદારોએ વાંધા અરજી કરી

- કબરો ખોદી ગેરકાયદે મનોરંજનના સાધનો લગાડવા બદલ બાંધકામ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી

વિરપુર : વીરપુરમાં સૂફી સંત દરિયાઈ દુલ્હાના ૫૦૫મા ઉર્સના મેળામાં પરવાનગી વગર જ કબ્રસ્તાનમાં ગેરકાયદે કબરો ખોદીને વિવિધ રાઈડ્સ ઉભી કરી દેવાઈ હોવાની વાંધાઅરજી કાયદેસરના ટ્રસ્ટીઓના વારસદારોએ વકફ બોર્ડ, જિલ્લા કલેક્ટર સહિતનાને કરતા વિવાદ સર્જાયો છે. 

વિરપુર મુકામે આવેલી સૂફી સંત કાજી ખતિબમિયાં મહેમુદ દરિયાઈ દુલ્હાની દરગાહ ખાતે ૫૦૫મા ઉર્ષના મેળો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે મેળામાં અંદાજે પાંચ લાખ લોકો આવવાની સંભાવના છે. જયારે મેળાની મહત્વની વાત એ છે કે, મેળામાં મુસ્લિમ કરતા હિન્દૂ ધર્મના લોકો વધારે આવે છે. ઉર્સના મેળામાં ૫૦૦થી પણ વધુ દુકાનો લગાવવા સાથે મનોરંજન માટે ચકડોળ, મોતનો કૂવા સહિતની વિવિધ જાતની રાઈડ્સ ગોઠવાય છે. ત્યારે હાલ પરવાનગી મેળવ્યા વગર જ કબ્રસ્તાનમાં મેળાની તમામ રાઈડ્સ ઉભી કરી દેવાઈ છે. 

કબ્રસ્તાનમાં રાઈડ્સ ઉભી કરી દેવા સંદર્ભે કાયદેસરના ટ્રસ્ટીઓના વારસદારોએ વકફબોર્ડ, જિલ્લા કલેક્ટર સહિતનાને વાંધાઅરજી કરતા વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટીઓના વારસદાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દરગાહ ટ્રસ્ટ વકફ નોંધણી નં-બી/૩૮૭ના પીટીઆરમાં નોંધાયેલા ટ્રસ્ટની મિલકત જે વિરપુર સર્વે નંબર-૩૭૭-૧૦૭ કબ્રસ્તાનવાળી જમીનમાં આવેલી કબરો ખોદી ગેરકાયદે રીતે મનોરંજનના સાધનો લગાડવા માટે કાચા, પાકા હંગામી બાંધકામ કરતાં અટકાવવા તથા તેવા કૃત્ય કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.


Google NewsGoogle News