મકાન ખાલી ન કરનારા 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- કલેક્ટરે હુકમ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાયો
- આપઘાત કરી લઇ ફસાવી દેવાની ધમકી આપી મકાન માલિકને દાટી આપતા હતા
નડિયાદ ડભાણ રોડ પર મધુ વિલા બંગલોમાં રહેતા વિશાલ હસમુખલાલ ઠક્કર ડેકોરેશન અને કેટરિંગનો વ્યવસાય કરે છે. નડિયાદ પશ્ચિમમાં લખાવાડ પાર્ટીની સર્વે નં.૨૭૭૨ પૈકી પ્લોટ નં. એ/૧૨ ઇશાન પાર્ક સોસાયટીવાળી મિલકત સિટી સર્વે નં.૬૩૦ વધારાનો વિસ્તાર-૧ છે. વિશાલભાઈ ઠક્કરના માતાએ વર્ષ-૨૦૦૪માં આ મિલકત પાઉલભાઈ પરમાર પાસેથી સોગંદનામા સાથે વેચાણ દસ્તાવેજ કરી લીધી હતી. પરંતુ પાઉલભાઈને રહેવા મકાન ન હોવાથી વિશાલભાઈની માતાએ તેમને માનવતા દાખવી મકાનમાં રહેવા જણાવ્યું હતું.
વિશાલભાઈની માતા પિતાનું અવસાન થતા વિશાલભાઈએ વારસદાર તરીકે વિશાલભાઈ તથા તેમના ભાઈ- બહેનના નામે વારસાઈ કરાવી હતી. દરમિયાન પાઉલભાઈ તથા તેમના દીકરાઓએ મકાન વેચાણ લેવાનું રજીસ્ટર બાનાખત કરી એક માસમાં રકમ ચૂકવવાની શરત કરી હતી. પરંતુ બાનાખતની સમય મર્યાદામાં વેચાણની રકમ ન ચૂકવતા વેચાણ બાનાખત રદ થયો હતો. આ મકાન ખાલી કરવાનું કહેતા કબજેદારોએ મકાન ખાલી કર્યું ન હતું અને મકાનના મૂળ માલિકને મકાન ખાલી કરાવવા દબાણ કરશો તો ઝેર દવા પી આપઘાત કરી તેમાં તમારા નામ લખાવીશું તેવી ધમકી આપતા વિશાલભાઈએ આ અંગે કલેક્ટર કચેરી નડિયાદમાં લેન્ડગ્રેબિંગની અરજી આપી હતી. જેમાં વિશાલભાઈની તરફેણમાં હુકમ થતાં સામાવાળાઓએ સમાધાન કરવા તૈયારી બતાવી સમય માંગ્યો હતો, આ સમય દરમિયાન સામેવાળાઓએ હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટે તેમની અપીલ ફગાવી દીધી હતી. આ અંગે વિશાલભાઈ હસમુખભાઈ ઠક્કરની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે પાઉલભાઈ પરમાર, તેમના દીકરા સહિત પાંચ ઈસમો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.