વસોના વૃદ્ધ સાથે 8.12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
વસોના વૃદ્ધ સાથે 8.12 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ 1 - image


- પ્રિમિયમના નામે પૈસા ખંખેરી લીધા

- તમારી વીમા પોલીસી બંધ થઇ ગઇ છે, ૧બાકીનું પ્રિમિયમ ભરવું પડશે કહી ગઠિયો છેતરી ગયો

નડિયાદ : વસોના વૃદ્ધને વીમા કંપનીનો કર્મચારી બોલું છું તમારી પોલિસી બંધ થઈ ગઈ છે ચાલુ કરાવવા બાકીના પ્રીમિયમ ભરવા પડશે કહી અજાણ્યા ગઠિયાએ રૂ. ૮,૧૨,૯૯૯/- ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વસો પુનિત ચોકમાં રહેતા વિઠ્ઠલભાઈ મોતીલાલ પટેલ તેઓનું દવા બનાવવાનું કારખાનું બંધ થઈ જતા હાલ નિવૃત જીવન ગુજારે છે. તેઓએ વર્ષ ૨૦૧૪ માં આદિત્ય બિરલા ઇનસ્યોરન્સ કંપનીનો જીવન વીમો લીધો હતો. જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ.૫૦,૦૦૦/- હતું જેના આગળના પ્રીમિયમ કારખાનું બંધ થઈ ગયું હોય ભરેલ નહીં.

આ દરમિયાન તા.૧૫/૩/૨૩ ના રોજ તેમના પર ફોન આવ્યો હતો જેમાં હું અનુરાગ આદિત્ય બિરલા એન્ટરપ્રાઇઝમાંથી બોલું છું તમોએ વર્ષ ૨૦૧૪ માં વીમો લીધેલ તેના પ્રીમિયમ ભરતા ન હોય પોલિસી બંધ થઈ ગઈ છે. પોલીસી ચાલુ કરાવવા રૂ.૫૦,૦૦૦/- ના પાંચ પ્રીમિયમ ભરવા પડશે તમે એક પ્રીમિયમ ભર્યું હોય બાકીના ચાર પ્રીમિયમ ભરવા પડશે તેમ કહી વોટ્સએપ પર ફોટો મોકલવા અને મોકલેલ એકાઉન્ટ નંબર પર રૂ.૫૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવતા તેઓએ તા.૧૫/૩/૨૩ ના રોજ રૂ.૪૯,૯૯૯.૯૭/- જમા કરાવ્યા હતા. અઠવાડિયા બાદ ફરીથી અનુરાગ ચૌધરી નામથી ફોન કરી ત્રીજા અને ચોથા પ્રીમિયમની રકમ મોકલેલ એકાઉન્ટ નંબર પર ભરવા જણાવ્યું હતું.  જેથી તા.૨૫/૫/૨૩ ના રોજ યુકો બેન્કમાંથી રૂ. એક લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તા.૧૫/૭/૨૩ ના રોજ રૂ.૫૦,૦૦૦/- તથા અઠવાડિયા બાદ ફોન આવતા રૂ.૧,૧૩,૦૦૦/- તા.૬/૭/૨૩ ના રોજ જમા કરાવ્યા હતા.  ત્યારબાદ અનુરાગ ચૌધરી નામથી ફોન કરી જણાવેલ કે તમને તમારા રૂ.૬,૮૦,૦૦૦/- મળશે પરંતુ તમે વધારે પૈસા ભરશો તો તમને વધારે બેનિફિટ મળશે તમે વધારાના રૂ. ૫ લાખ ભરશો તો કંપનીમાંથી રૂ. ૨૨ લાખ મળશે જેથી તેઓએ તા.૨૬/૭/૨૩ ના રોજ ૧,૯૦,૦૦૦/- તા.૩૧/૭/૨૩ ના રોજ ૨,૧૦,૦૦૦/- તથા તા.૩૧/૮/૨૩ ના રોજ એક લાખ મળી કુલ પાંચ લાખ જમા કરાવ્યા હતા. પંદર દિવસ બાદ ફોન આવેલ કે તમારા બેન્ક એકાઉન્ટમાં રૂ. ૨૨ લાખ જમા થશે પરંતુ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા રૂ. બે લાખ ભરવા જણાવતા વૃદ્ધે જણાવેલ કે હું રિટર્ન ભરુ છું જેથી રૂ. બે લાખ નહીં ભરું તો ચાલશે તેમ કહેતા સામાવાળાએ જણાવેલ કે તમારે બે લાખ ભરવા જ પડશે તો જ પૈસા પાછા આવશે જેથી તેઓએ સામાવાળાને મારા રૂ. બાવીસ લાખમાંથી બે લાખ કાપી બાકીના પૈસા મોકલી આપવા જણાવ્યું હતું.  પરંતુ ભરેલા પૈસા પરત મળેલ નહીં આમ આદિત્ય બિરલા એન્ટરપ્રાઇઝના નામે ગઠિયાએ ફોન કરી અલગ-અલગ તારીખે રૂ. ૮,૧૨,૯૯૯/- ટ્રાન્સફર કરાવી ફ્રોડ છેતરપિંડી કરી હતી. આ બનાવ સંદર્ભે વિઠ્ઠલભાઈ પટેલે વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News