Get The App

હોર્ન વગાડવાની તકરારમાં મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યાની ફરિયાદ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
હોર્ન વગાડવાની તકરારમાં મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યાની ફરિયાદ 1 - image


- ભાલેજ પોલીસ મથકે બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ

આણંદ : ઉમરેઠ તાલુકાના સરદારપુરા વગડા વિસ્તારમાં જોરશોરથી હોર્ન વગાડવા બાબતે થયેલી તકરારમાં બે વ્યક્તિઓએ મહિલા સહિત એક પરિવારના બે વ્યક્તિઓને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો ભાલેજ પોલીસ મથકે પહોંચ્યો છે.

- ઉમરેઠના સરદારપુરામાં જોરથી હોર્ન વગાડવા બાબતે ઠપકો આપનારને ધમકીઓ પણ આપી

ઉમરેઠ તાલુકાના સરદારપુરા વગડા વિસ્તારમાં રહેતા અજયભાઈ મનુભાઈ પરમાર ગત તા.૨૭મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ઘર નજીક ખાટલામાં પોતાની ૮ માસની પુત્રીને લઈ સુઈ રહ્યા હતા. આ સમયે તેઓની પિતરાઈ બહેન સોનલ નજીકમાં બેઠી હતી. દરમ્યાન નજીકમાં રહેતા મેહુલભાઈ રમણભાઈ પરમાર તથા કિશનભાઈ જયંતિભાઈ પરમાર મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા અને ખાટલા નજીક ઉભા રહી જોરશોરથી હોર્ન વગાડતા ૮ માસની પુત્રી રડવા લાગી હતી. 

જેથી સોનલબેન ઠપકો આપવા જતા બંને શખ્સોએ ઝઘડો કર્યો હતો અને બિભત્સ અપશબ્દો બોલવા લાગ્યા હતા. દરમ્યાન અજયભાઈ ઝઘડામાં વચ્ચે પડતા મેહુલભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીકમાંથી ધારીયુ લઈ આવી અજયભાઈને મારી દેતા ઈજાઓ પહોંચી હતી. આ સમયે કિશનભાઈ પરમાર મેહુલભાઈનું ઉપરાણુ લઈ આવી અજયભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં બને શખ્સો બિભત્સ અપશબ્દો બોલતા બોલતા આજે તો તું બચી ગયો છું ફરીથી મળીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે અજયભાઈ પરમારે ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News