સરકારી રેકર્ડમાં ચેડાં અને ઉચાપત બદલ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ
- નડિયાદમાં પાવતીમાં 3 હજારને બદલે 500 જ દર્શાવ્યા
- માંડવાળ ફીની બીજી પ્રતમાં સુધારા કરી ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો
ખેડા તાલુકાના વારસંગમાં રહેતા રાજેન્દ્રસિંહ ફતેસિંહ મહિડાએ તા.૨૦/૩/૨૪થી પોલીસમાં અરજી કરી હતી. જેમાં તા.૧૭/૩/૨૪એ બિલોદરા રેલવે ક્રોસિંગ પર ફરજ બજાવતા નડિયાદ ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેબુબભાઈ ગનીભાઈ વ્હોરાએ વાહન ચાલકોને માંડવાળ ફીની પાવતી આપી હતી. જેમાં રકમમાં વાહન ચાલક સુનેશ કાલુભાઈ બામણીયાએ લાયસન્સ તેમજ ગાડીના કાગળો માગતા ટ્રક ચાલકે ગાડીના કાગળો રજૂ કર્યા હતા. છતાં પોલીસ કોન્સ્ટેબલે તા.૧૭/૩/૨૪ પાવતી નં.૨૦૨૦૭ સમાધાન શુલ્ક રૂ.૩,૦૦૦ દંડ વસૂલી પહોંચ આપેલી. જ્યારે બીજી પ્રતમાં રૂ.૩,૦૦૦ની રકમના બદલે ચેડા કરી રૂ.૫૦૦ દર્શાવી રૂ.૨,૫૦૦ની ઉચાપત કરી હતી અને વાહન ચાલક સુનેકને બદલે પોલીસ કોન્સ્ટેબલે જાતે અંગ્રેજીમાં સહી કરી હતી. આવી જ રીતે તા.૧૭/૩/૨૪ની પાવતી નંબર ૨૦૨૦૯માં વાહન ચાલક વિષ્ણુભાઈ હડિયાની ગાડીના માંડવાળ ફી રૂ.૨,૦૦૦ વસૂલી પાવતી આપવામાં આવી હતી. જ્યારે બીજી પ્રતમાં સુધારો કરી રૂ.૫૦૦ દર્શાવી રૂ.૧,૫૦૦ની ઉચાપત કરી હતી. આમ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે સરકારી રેકર્ડમાં ચેડા કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી હતી. આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકના તા.૧૯/૦૯/૨૪થી નડિયાદ ગ્રામ્ય પોલીસને કાગળો મોકલી આપવામાં આવ્યા હતા.
આ અંગે જયદીપસિંહ શંભુદાન ગઢવી વીણા આઉટ પોસ્ટની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે કોન્સ્ટેબલ મહેબુબભાઈ ગનીભાઈ વ્હોરા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.