નડિયાદના ભુમેલ ગામે મહિલા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ
- મહિલાની એકલતાનો લાભ લઇ ચપ્પાની અણીએ ડરાવી રેપ કર્યો
- અગાઉ પીડિતાના પતિએ આરોપીની પત્ની પર બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
નડિયાદના ભુમેલ ગામના તાબા વિસ્તારમાં ૪૧ વર્ષીય પરિણીત મહિલા પર એક ખેતર દૂર રહેતા ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ૨૫મી ડિસેમ્બરના રોજ વડતાલ પોલીસમાં નોંધાઈ છે. આ ઈસમ મહિલા પર દાનત બગાડી પતિની ગેરહાજરીમાં અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. છેલ્લે તો ચપ્પાની અણીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત પીડિતાના પતિ વિરુદ્ધ પણ આ ઈસમની પત્નીએ દુષ્કર્મનો પોલીસ કેસ કર્યો હોય પીડિતાના પતિ પણ ભેદી સંજોગોમાં ગુમ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.
નડિયાદ તાલુકાના ભુમેલ ગામના પરા વિસ્તારમાં રહેતી ૪૧ વષય બે સંતાનની માતાએ ગત ૨૫મી ડિસેમ્બરના રોજ વડતાલ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે, તેણીના પતિ સિક્યૂરિટીમાં નોકરી કરે છે અને સંતાનોમાં દિકરી દિકરા છે. જે બંનેના લગ્ન થઈ ગયા છે. આ મહિલાના ઘરની પાછળની બાજુએ એક ખેતર મુકીને મનુભાઈ છોટાભાઈ વાઘેલા પોતાના કુટુંબ પરિવાર સાથે રહે છે. ગત ૩૦ જુલાઈ ૨૦૨૩ના રોજ મનુભાઈની પત્નીએ આ મહિલાના પતિ ઉપર બળાત્કાર બાબતેની ફરિયાદ આપેલી હોવાથી મહિલાના પતિ છેલ્લા સાડા ચારેક માસથી ઘરેથી ભાગી ગયા છે.
ગત ૭મી મે ૨૦૨૩ના રોજ મહિલાનો પુત્ર તેની સાસરીમાં લગ્ન પ્રસંગ હોય મહિલાના પતિ પણ સિક્યૂરિટીમાં નોકરીએ ગયા હતા. સાંજે એકલી આ મહિલા પોતાના ઘરે હતી. આ દરમિયાન રાત્રિના સુમારે આ મનુભાઈ છોટાભાઈ વાઘેલા મહિલાના ઘરમાં આવ્યો હતા. આ દરમિયાન ઘરમાં કોઈ ન હોય તેનો લાભ ઉઠાવ્યો હતો અને બળજબરી કરી મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે મામલે આરોપી સામે વડતાલ મથકે ફરિયાદ નોંધાવી છે.
આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દેવાયો
વડતલા પીઆઈ આર.કે.પરમારે જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થયાના ૨૪ કલાક બાદ આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી બિલોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે લાપતા બનેલ પીડીતાના પતિની તપાસ જે તે સમયે ચકલાસી પોલીસમાં હોય, હાલ આ તપાસ ત્યાંથી નડિયાદ ટાઉન હોવાનું જણાવ્યું છે.
મહિલાના પતિ ઘરે એકાએક આવતાં બંનેને રંગેહાથે પકડયા
ગત ૨૭ જુલાઈના રોજ મહિલાના પતિ નોકરીએ ગયો હતો. આ દરમિયાન મનુભાઈ ઘરે આવીને હાથમાં રાખેલું ચપ્પું બતાવી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મહિલાના પતિ પોતાના ઘરે એકાએક આવતાં બંનેને શરીર સંબંધ બાંધતા પકડી લીધા હતા. જે બાદ મહિલાના પતિએ મનુભાઈ સાથે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ મહિલાને પણ પતિએ ધોલધપાટ કરી હતી. જે બાદ ૨૯મી જુલાઈના રોજ મહિલાના પતિ બનાવ બાબતે વાત કરવા મનુભાઈના પત્ની સાથે ગયા હતા. આ વખતે મનુભાઈએ બે-ત્રણ દિવસ રાહ જો પછી આપણે આ બાબતે વાત કરીશું તેમ પતિને જણાવ્યું હતું.
દુષ્કર્મી પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિતા અને તેના પતિ બંને ડાકોર મંદિરે દર્શન કરવા ગયેલા અને પરત આવતા પીડીતાના પતિના મોબાઇલ ઉપર કોઈનો ફોન આવ્યો હતો અને જાણવા મળેલ કે મનુભાઈની પત્ની સાથે પીડીતાના પતિએ બાત્કાર કરેલો હોવાની ખોટી પોલીસ ફરિયાદ આપેલી છે. જેથી પીડીતાને ઉતારી તેનો પતિ એકાએક લાપતા બન્યો હતો. જે આજ દિન સુધી કોઈ અતોપતો લાગ્યો નહોતો. બીજી તરફ આ દુષ્કર્મ ગુજારનાર મનુભાઈ છોટાભાઈ વાઘેલા પીડીતા અને તેમના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અને પીડીતા ડરથી બીકની મારી સંતાતી હોય જે બાદ આ સમગ્ર મામલે પીડીતાએ આ ઈસમ સામે વડતાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.