Get The App

એસટી બસની ટક્કરે ટ્રક પલટી જતાં ક્લિનરનું મોત

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
એસટી બસની ટક્કરે ટ્રક પલટી જતાં ક્લિનરનું મોત 1 - image


- મહેમદાવાદના સુંઢા વણસોલ પાસે

- કપાસિયા ભરીને કડી જઈ રહેલા ટ્રકને અકસ્માત નડયો, ટ્રક ચાલકનો આબાદ બચાવ

નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદના સુંઢા વણસોલ સીમમાં એસટી બસની ટક્કરે ટ્રક રેલિંગ તોડી ગટરમાં પલટી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલકનો બચાવ થયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાના કડી તાલુકાના અલદેશન ગામે રહેતા ડ્રાઈવર અમરજીત શંકરજી ઠાકોર, ક્લીનર ચેતનજી ઠાકોરની સાથે ટ્રકમાં તેલના ડબ્બા ભરી રાજપીપળા ગયા હતા. ત્યાંથી ડબ્બા ખાલી કરી મંડારાથી કપાસિયા ભરી રાત્રે પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેમદાવાદના સુંઢા-વણસોલ સીમમાં પાછળથી પુરઝડપે આવેલી એસટી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેથી લોખંડની રેલિંગ તોડી ટ્રક ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ક્લીનર ચેતનજીનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.


Google NewsGoogle News