મકાન ધરાશાયી થતાં ઘાયલ દર્દીઓની સારવાર બાબતે સિવિલમાં હોબાળો
- સિવિલ પ્રશાસને દર્દીઓને ફરી દાખલ કરવા પડયા
- નડિયાદમાં દર્દીઓને અધૂરી ટ્રીટમેન્ટ આપી કાઢી મૂક્યાના આક્ષેપ સાથે વિરોધ કરી ઘેરાવો કરાયો
નડિયાદમાં ગઈકાલે મરીડા ભાગોળ નજીક વિસ્તારમાં એક નિર્માણાધીન મકાનનો પહેલા માળનો સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. જોકે ઘટનાની તુરંત બાદ તેમને સારવાર માટે ખસેડાયા હોવાથી સિવિલ પ્રશાસને માત્ર પ્રાથમિક સારવાર આપી મજૂરોને રજા આપી દીધી હતી અને તેમની કોઈ ખાસ તપાસ કે રિપોર્ટ કરાયો ન હતા. જેથી ઇજાગ્રસ્ત દર્દીઓ તેમને વધારે નુકસાન થયું હોવાનું જણાવતા આજે પુનઃ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચ્યા હતા.
દરમિયાન નડિયાદ સિવિલ પ્રશાસને બપોરથી માંડી મોડી સાંજે ૭ વાગ્યા સુધી આ દર્દીઓને કોઈપણ પ્રકારની સારવાર આપી ન હતી. તેમજ સિવિલ હોસ્પિટલની બહાર બેસી રહેવા માટે મજબૂર કરાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના કોંગ્રેસ સહિતના લોકોને ધ્યાનમાં આવતા તમામ લોકો સિવિલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હોબાળો થતા નડિયાદ સિવિલ પ્રશાસન ભીંસમાં મુકાયું હતું. તેમજ દર્દીઓને જરૂરી તપાસ કર્યા વગર રજા આપી દેવા મામલે જવાબ આપવામાં સિવિલના જવાબદારો છટકબારી કરતા જોવા મળ્યા હતા. જેથી નડિયાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરોએ હોબાળો કરતા સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓને ફરીથી દાખલ કરી તપાસ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.