ઠાસરાના દીપકપુરા ગામે વીજળી પડતા બાળકનું મોત, બે ઘાયલ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ઠાસરાના દીપકપુરા ગામે વીજળી પડતા બાળકનું મોત, બે ઘાયલ 1 - image


- સોમવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડી

- ખેતરમાં ઘરૂ રોપતા કાકાને ભાથું આપવા આવેલા બાળકના અકાળે મોતથી ગમગીની

ડાકોર : ઠાસરા તાલુકાના દિપકપુરા ગામે સોમવારે બપોરે વીજળી પડતા એક ૧૩ વર્ષના બાળકનું મોત થયું હતું. તેમજ બે શખ્શો દાઝી ગયા હતા. જેઓને સારવાર માટે ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી ઠાસરા પીએસસીમાં લઇ જવાયા હતા. વરસાદી વીજળીમાં એક માસુમ બાળકનું અકાળે મોત થતા સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. બાળક શાળાએ હતો અને રિશેષમાં ઘરે આવ્યો હતો, ખેતરમાં ડાંગરના ધરૂ રોપતા કાકાને ભાથું આપવા ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.

ઠાસરામાં સોમવારે બપોરે એકાએક વાદળો છવાતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો.ત્યારે પીપલવાળા ગામના  તાબે આવેલા દીપકપુરા ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા રાઠોડ પરિવાર પર  વીજળી પડી હતી. જેમાં એક બાળકનું મોત થયું હતું. બે જણા ઘાયલ થયા હતા. ઠાસરા સરકારી હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. દીપકપુરાના રહીશ ભારતભાઈ રાઠોડના  બે દીકરા અને તેમના દીકરાનો દીકરો ખેતર ડાંગરનું ઘરૂં રોપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળીનો કડાકો થયો હતો. અને ખેતરમાં કામ કરી રહેલા મહેન્દ્રભાઈ ભરતભાઇ રાઠોડ તેમના ભાઈ અરવિંદભાઈ ભરતભાઇ રાઠોડ અને તેમનો દીકરા અજય પરેશભાઈ રાઠોડ પર વીજળી પડી હતી. તેમાં ઘરેથી ટિફિન આપવા ગયેલા  અજય પરેશભાઈ રાઠોડનું મોત થયું હતું . જ્યારે મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈ રાઠોડને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઈ હતી. જે ત્રણેય ને ૧૦૮ માં દીપકપુરાથી ઠાસરા પીએસસી સેન્ટરમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે ૧૩ વર્ષ અજયનું મોત થયું હતું. આ દુખદ ઘટનાને લઇને ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. 


Google NewsGoogle News