નડિયાદની 10 મહિલાઓ સાથે કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગના નામે ઠગાઈ
- ચારધામની યાત્રા કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
- ઓનલાઈન 83 હજાર ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ
નડિયાદ : નડિયાદ શહેરની ૧૦ મહિલાઓ સાથે ચારધામની યાત્રામાં હેલિકોપ્ટરમાં યાત્રા કરાવવાના નામે રૂ.૮૩ હજારની છેતરપિંડી થઈ હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદની ૧૦ મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકીંગ કરાવ્યુ હતુ. જેમાં એક મહિલા દીઠ રૂ.૭,૭૪૦ની ટીકીટ આપવાનું નક્કી થયુ હતુ. આ ૧૦ ટીકીટો ઉપરાંતનો કેટલોક ખર્ચ બતાવી ગઠીયાઓએ મહિલાઓ પાસેથી રૂ. ૮૩ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
ચારધામની યાત્રાએ જવાનો દિવસ નજીક આવી ગયો હોવા છતાં ગઠીયાઓ દ્વારા હેલિકોપ્ટરની ટીકીટ મોકલાઈ ન હતી. જેથી મહિલાઓએ ગઠીયાઓ પાસે ટીકીટ માંગતા વધુ પૈસા જમા કરાવવાની માંગણી કરી હતી.
જેથી મહિલાઓ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.