ખાત્રજ ચોકડી અને કનેરા હાઈવે પર ટ્રક-ટેન્કરો ઉભા કરી દેતા ચક્કાજામ
- સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું
- અકસ્માતના બનાવમાં ડ્રાઈવરને દસ વર્ષની સજાના નવા કાયદાનો વિરોધ
નડિયાદ : સરકારે અકસ્માતના કેસમાં વાહન ચાલકને દસ વર્ષની સજાની નવા કાયદામાં જોગવાઈ કરી છે, જેની સામે ઠેર ઠેરથી વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેમદાવાદના વાહન ચાલકોએ ખાત્રજ ચોકડી, જ્યારે ખેડાના કનેરા હાઇવે પર ટ્રક ચાલકોએ રોડની સાઈડમાં ટ્રકો ઉભી કરી દઇ સજાના કાયદા સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વાહન ચાલકો રસ્તા પર ઉતરી પડતાં ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.
સરકાર દ્વારા બ્રિટિશ શાસનના કાયદાઓમાં ફેરફાર કરી નવા કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે. જેમાં નવા કાયદામાં અકસ્માતના કેસમાં ડ્રાઇવિંગ કરનારને દસ વર્ષની સખત કેદની સજા ની જોગવાઈ કરી છે. જેને લઇ આ કાયદા સામે ટ્રક ટેન્કર સહિતના વાહનચાલકોમાં વિરોધ વંટોળ ઊભો થવા પામ્યો છે.
નેશનલ હાઇવે નં.૪૮ ખેડાના કેનેરા નજીક ટ્રક ચાલકોએ રોડની સાઈડમાં પોતાના ટ્રક-ટેન્કર રોડની સાઈડમાં ઊભી કરી દેતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. આવી જ રીતે ખેડા પંથકના ટ્રક ટેન્કર સહિતના વાહનચાલકોએ પોતાના વાહનો રોડ પર ઊભા કરી દીધા હતા. આ વાહન ચાલકોએ કાયદાના વિરોધમાં સુત્રોચ્ચાર કરી સજાના નિર્ણયમાં ફેર વિચારણા કરવા તેમજ આકરા કાયદાનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો.