ખેડા જિલ્લામાં સવારથી માફકસરના પવનથી ઉત્તરાયણના તહેવારની ઉમંગભેર ઉજવણી
- પ્રતિબંધના લીધે ડીજે લાઉડ સ્પીકરો મોટા ભાગે બંધ રહ્યા
નડિયાદ, તા.15 જાન્યુઆરી 2021, શુક્રવાર
આજ રોજ ખેડા જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે મકરસંક્રાન્તિની ઉજવણી થઈ હતી. વાતાવરણ સાનુકૂળ રહેતા અને પવન હોવાને લીધે પતંગરસિયાઓના આનંદનો પાર નહોતો રહ્યો.બિલ્ડિંગો અને ઘરોના ધાબાઓ - કાયપો છે-કાયપો છે-ના નાદથી ગૂંજી ઊઠયા હતા. યુવાનો સાથે મોટેરાઓ પણ ધાબાઓ પર ચઢી ઉત્સવનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ઘણા વિસ્તારોમાં લોકો ખુલ્લાં મેદાનોમાં સપરિવાર ધામા નાખી પતંગ ઉડાવવામાં મશગૂલ બન્યા હતા. બિલ્ડિંગના ધાબા-અગાશીઓ પર પતંગના આનંદ સાથે લોકો ચીક્કી-લાડુની જયાફતો માણતા જોવા મળ્યા હતા.
ખેડા, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર સહિત તમામ મુખ્યમથકો, શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સવારથી લઈ મોડી સાંજ સુધી જિલ્લાના આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યું હતું. જાહેર રજા હોવાથી બજારો, રસ્તાઓ ખાલી દેખાયા હતા. જાહેર માર્ગો પર લોકો અને વાહનોની અવરજનવર નહીવત બરાબર રહી હતી. સામાન્ય દિવસોમાં વાહનોથી ખદબદતા મુખ્ય માર્ગો ટ્રાફિક-ફ્રી બન્યા હતા. બધે જ ઉત્સવનો માહોલ જામેલો હતા. યુવાનો પતંગથી આકશી પેચ લડાવવામાં મશગૂલ બન્યા હતા તો બાળકો ફુગ્ગા-મહોરા-પીપુડીઓથી વાતાવરણ ગજવી રહ્યા હતાં.