Get The App

મહુધાના સાપલા ગામના સરપંચ વિરૂદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ દાખલ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
મહુધાના સાપલા ગામના સરપંચ વિરૂદ્ધ નડિયાદ કોર્ટમાં કેસ દાખલ 1 - image


- બે વર્ષ બાદ ખાણ- ખનીજ વિભાગની કાર્યવાહી

- ગેરકાયદે માટી ખોદકામ બદલ 2022 માં ફટકારેલો રૂા. 15.14 લાખ દંડ ભર્યો જ નહીં

નડિયાદ : મહુધા તાલુકાના સાપલા ગામના સરપંચ સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે માટી ખોદકામ મામલે કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહીમાં સરપંચને બિનઅધિકૃત ખનન બદલ રૂા. ૧૫.૧૪ લાખ દંડ ફટકારાયો હતો. સરપંચે દંડ બે વર્ષ સુધી ન ભરતા ખાણ-ખનીજ વિભાગ દ્વારા સરપંચ વિરૂદ્ધ નડિયાદ શેશન્સ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. તો આ તરફ સમગ્ર મામલે તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવાના બદલે કાયદાની આંટીઘુંટી કરી અને બચાવી લેતો આદેશ કર્યો હતો.

મહુધા તાલુકાના સાપલા ગામના સરપંચ ગૌતમસિંહ અમરસિંહ ચૌહાણ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ સર્વે નં.૨૮૫, ૩૬૦ અને ૧૧૭ ખાતે તળાવ ઉંડા કરવા અંગે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ સર્વે નંબરમાં ખોદકામ કરવાના બદલે સર્વે નં. ૨૮૪માં સરકારી પડતર ગૌચર નીમ ૨ ગુંઠા જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. જે બાબતે અરજી કરાતા તપાસ દરમિયાન ગેરકાયદે બિનઅધિકૃત અને પરવાનગી વગર ખોદકામ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા ૧૫,૧૪,૩૨૭ રૂપિયા દંડ ભરપાઈ કરવા અને ૭ દિવસમાં ખુલાસો કરવા સરપંચને નોટિસ પાઠવી હતી. જો કે, સરપંચે દંડ ભર્યો ન હતો. તે બાદ ૬ મુદત દરમિયાન સરપંચની રજૂઆત બાદ વર્ષ-૨૦૨૨માં ખાણ- ખનીજ વિભાગે આખરી હુકમ કરતા રૂા. ૧૫.૧૪ લાખનો દંડ ભરવા આદેશ કર્યો હતો. જેને બે વર્ષ થવા છતાં સરપંચે દંડની રકમની ભરપાઈ ન કરતા ખાણ અને અનીજ વિભાગે સરપંચ ગૌતમસિંહ ચૌહાણ વિરૂદ્ધ નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 

સમગ્ર મામલો સામે આવતા અરજદારે સરપંચને પદભ્રષ્ટ કરવાની માંગણી સાથેની રજૂઆત સંદર્ભે તે વખતના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ ખાણ- અનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરી દેવાઈ હોવાથી બીજા વિભાગ દ્વારા કાર્યવાહી ન કરી શકાય તેવો કાયદો આગળ ધર્યો હતો.


Google NewsGoogle News