ટેમ્પોમાં કેરેટની આડમાં લઈ જવાતો રૂ. 7.71 લાખનો દારૂ ઝડપાયો
- ગોધરા નજીકના ગઢચૂંદડી પાસેથી
- ટેમ્પોમાં સવાર ડ્રાઈવર સહિત 4 શખ્સની ધરપકડ સાંપા ગામનો બૂટલેગર વોન્ટેડ જાહેર કરાયો
પંચમહાલ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મધ્યપ્રદેશ પાસિંગના ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે દાહોદ હાઈવે પર વોચ ગોઠવી નાકાબંધી કરી હતી.
દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. જે બાદ ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.૭.૭૧ લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ રૂ.૧૦.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોના ડ્રાઈવર સંદીપ નવલસિંહ ડાવર સહિત તેમાં સવાર બાદલ કેશરસિંહ બગેલ, કમલેશ તેરસિંહ તોમર અને પ્રદીપ જાલમસિંહ દુડવેની ધરપકડ કરી ગોધરા તાલુકાના સાંપા ગામના સુનીલકુમાર ભારતસિંહ બારિયાને વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.