Get The App

અપ્રુજી દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરી દ્વારા રૂા. 4.10 લાખની ઉચાપત

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
અપ્રુજી દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરી દ્વારા રૂા. 4.10 લાખની ઉચાપત 1 - image


- કઠલાલ પોલીસ મથકમાં મંડળીના ચેરમેનની ફરિયાદ

- આણંદ સહકાર વિભાગના ઓડિટમાં પૂર્વ સેક્રેટરીએ અંગત કામમાં વાપરી નાખ્યાનું ખૂલ્યા બાદ કાર્યવાહી

કઠલાલ, નડિયાદ : કઠલાલના અપ્રુજીમાં દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરીએ રૂા. ૪.૧૦ લાખની ઉચાપત કરી હોવાની ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂર્વ સેક્રેટરીએ આ રકમ અંગત કામમાં વાપરી નાખી પરત ન કરી હોવાનું ઓડિટમાં બહાર આવતા આણંદ સહકાર વિભાગે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.

કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન ઝાલમસિંહ સોલંકીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ૧ જુલાઈ, ૨૦૨૨થી અપ્રુજીની દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં ચેરમેન તરીકે કાર્યરત છે. અહીં ચાર કર્મચારીઓ પણ કાર્યરત છે. 

મંડળીમાં અગાઉ છેલ્લા દસેક વર્ષથી સેક્રેટરી તરીકે ગામના વિક્રમભાઈ સાધાજી રાઠોડ કાર્યરત હતા. દૂધ મંડળીની ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ની વ્યવસ્થાપક સભ્યોની મીટીંગના ઠરાવ નં. ૨ અને ૩થી મંડળીના તત્કાલીન મંત્રી વિક્રમભાઇ સાધાજી રાઠોડની તબિયત નાદુરસ્તના કારણે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રાજીનામું આપ્યું હતું. પરંતુ મંડળીએ સ્વીકાર્યું ન હતુ અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી તેમને હોદ્દા ઉપર ચાલુ રાખ્યા હતા. ત્યાર બાદ ૧ ઓક્ટોબર. ૨૦૨૧ની મીટીંગના ઠરાવ નં.૨થી નવા મંત્રી તરીકે કીશનકુમાર પ્રહલાદસિંહ સોલંકીની નિમણૂક કરી પૂર્વ મંત્રીના હવાલાનો તમામ ચાર્જ નવા નિમાયેલ મંત્રીને આપ્યો હતો. જેમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૧ પહેલાના તમામ હિસાબો માટે જૂૂના સેક્રેટરીની જવાબદારી નક્કી કરાઈ હતી.  ઠરાવ મુજબ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રોજમેળ પાન નં.૧૧૪ ઉપરની બંધ સીલક રૂ ૪,૧૦,૯૬૭ની જવાબદારી પૂર્વ સેક્રેટરી વિક્રમભાઈ રાઠોડની હતી. જે સીલક નવા સેક્રેટરીને સુપ્રત કરવાની હતી. પરંતુ આ રકમ વિક્રમભાઇ દ્વારા મંડળીમાં જમા ના કરાવી રકમ રોજમેળ પાન નં.૧૧૫ ઉપર પોતાના ખાતે એટલે કે વિક્રમભાઇની ખુટતી સીલક સાથે ઉપાડી શુન્ય સીલક કરી હતી. બાદમાં ૪.૧૦ લાખનું વિક્રમભાઈ પૂર્વ સેક્રેટરી ખાતેનું તેમની સહીવાળું વાઉચર રજુ કર્યું હતું.

નવા સેક્રેટરીએ તા.૧ ઓક્ટોબર, ૨૦૨૧થી શૂન્ય સીલકથી રોજમેળ શરૂ કરેલો હતો અને વ્યવસ્થાપક કમીટીના ઉપરોક્ત ઠરાવ મુજબ ૧ ઓક્ટોબર, ૨૦૨૧ પહેલાની સીલકની જવાબદારી પૂર્વ સેક્રેટરીની બનતી હતી. 

જેથી તે અંગે તેમને રૂબરૂ બોલાવી જાણ કરતા તેમણે તે અંગત કામમાં વપરાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. 

મંડળીમાં આણંદથી સહકાર ખાતાએ ઓડિટ બાદ આ ૪.૧૦ લાખ સિલક પૂર્વ સેક્રેટરીએ અંગત કામમાં વાપરી નાખી પરત ન કરી હોવાનું જણાતા ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો હતો. જેના પગલે પૂર્વ સેક્રેટરી વિક્રમભાઈ સાધાજી રાઠોડ વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે મંડળનીના ચેરમેન ઝાલમસિંહ સોલંકીએ ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News