ખેડા અને વડોદરા જિલ્લાઓને જોડતો મહી નદી પરનો પુલ શરૂ કરી દેવાયો
- ચોમાસામાં પૂરના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો
- ગળતેશ્વર અને સાવલી તાલુકાના 10 થી વધુ ગામોના લોકોને મુશ્કેલીમાંથી રાહત
ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો રાજ્ય ધોરી માર્ગ પરનો પૂલ અગાઉ આવેલા પૂરના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જેના લીધે ગલતેશ્વર તાલુકા અને સાવલી તાલુકાના ૧૦થી વધુ ગામોની જનતાને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.
લોકોને વાલાવાવથી ઉદલપૂરથી સેવાલિયા થઈ ૩૦ કિ.મી. રોડ અંતર કાપીને જવું પડતું હતું. ત્યારે ડાકોર રાજ્ય ધોરી માર્ગના માર્ગ અને મકાન વિભાગીય કચેરી દ્વારા તા. ૧/૧/૨૦૨૪ સવારે ૧૦ વાગ્યાથી સામાન્ય ટુ વ્હીલરને ટ્રાયલ બેઝ ઉપર પસાર થવા દઈ બપોર પછી હેવી વાહનોને મહીસાગર નદીના પુલ ઉપરથી પસાર કરી ટ્રાયલબેઝ રસ્તો શરૂ કર્યો હતો. હાલ આ પૂલ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું વિભાગ દ્વારા જણાવાયું છે.
અત્યારે પુલ ઉપર આવવા જવા માટે કોઈ જોખમ નથી પણ ભારે પૂરથી પિલ્લરો તૂટી ગયા હતા તે હજુ જેમને તેમ યથાવત રહેવા પામ્યા છે.