સામરખા ચોકડી પાસે એસટી બસની ટક્કરે બાઇક ચાલકને ઇજા
- બસ રોકીને લોકોએ ભારે હોબાળો મચાવ્યો
- ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
આણંદ : આણંદની સામરખા ચોકડી નજીક નશામાં ધૂત એક એસ.ટી.બસના ડ્રાઈવરે ટુવ્હીલરને અડફેટે લેતા ટુવ્હીલરચાલક ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને એસ.ટી. બસના ચાલકને રોકી હોબાળો મચાવ્યો હતો.
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધ્યા છે. આણંદ જિલ્લામાં ડ્રીક એન્ડ ડ્રાઈવનો વધુ એક બનાવ બનતા આણંદ શહેરની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં એસ.ટી.બસ હંકારી રહેલ ડ્રાઈવરે આગળ જતા એક ટુવ્હીલરને ટક્કર મારતા ટુવ્હીલર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગેનો એક વિડીયો સોશિયલ મિડીયોમાં વાઈરલ થતા જેમાં ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. અકસ્માતને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ડ્રાઈવરને રોકી રાખી આ અંગે પોલીસને જાણ કરી હતી. જો કે આ લખાઈ રહ્યંું છે ત્યાં સુધી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળે છે.
વધુમાં થોડા દિવસો પૂર્વે નશામાં ધૂત નાપાડના જેનીશ પટેલે નાવલી-નાપાડ રોડ ઉપર રાત્રિના સુમારે બેફામ કાર હંકારી ત્રણ મોટરસાયકલને અડફેટે લીધા હતા. જેમાં સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકીના ચારના કરૂણ મોત નીપજ્યાં હતા.
આ ઘટનામાં જેનીશ પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે સામરખા ચોકડી નજીક દારૂના નશામાં ચકચૂર એક એસ.ટી.બસના ચાલકે બસ બેફિકરાઈથી હંકારી આગળ જતા ટુવ્હીલરને ટક્કર મારતા ટુવ્હીલરચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર લેવાનો વારો આવ્યો હતો.