કઠલાલમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ : બાઇક સળગાવ્યું, બે આરોપી પકડાયા
Group clash in Kathlal : કઠલાલ પાસે ખોખરવાડા બ્રિજ ઉપર શનિવારે સાંજે સામાન્ય તકરારને લઈને બે કોમ વચ્ચે થયેલા ઝઘડાને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા સમગ્ર જિલ્લાની પોલીસ સહિત એસઆરપીને કઠલાલમાં ખડકી દેવામાં આવી હતી. ત્યારે આ અંગે બે જુદી જુદી ફરિયાદોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. હાલ કઠલાલ નગરમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. સવારે ખુલેલા બજારો બપોર પછી સ્વયંભૂ બંધ થઈ ગયા હતા. પ્રજાજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીક ખોખરવાડા બ્રિજ ઉપર શનિવારે બનેલા બનાવ બાબતે સતીષભાઈ નાનાલાલ ગોર રહે.કઠલાલવાળાએ આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગાડીના ચાલકે તથા અન્ય પાંચથી સાત માણસોએ સતીષભાઈને રોડ વચ્ચે રોકીને લાફા મારી ગડદાપાટુનો માર મારી અપશભ્દો બોલી તેમની સાથે ઝપાઝપી કરી હતી. તે વખતે આરોપી વસીમ ઉર્ફે બકરાવાળો ગુલામનબી ખોખર (રહે. ખોખરવાડા)એ સતીષભાઈના શર્ટના ઉપરના ખિસ્સામાં મુકેલા રૂપિયા 4,500 તથા બાઈકની ચાવી બળજબરી પૂર્વક ઝૂટવી લઇ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. અન્ય ઇસમોએ ભેગા મળીને સતીષભાઈ તથા તેમના દિકરા જીગરભાઈને લાફા અને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે અન્ય એક ફરિયાદમાં કઠલાલ પોલીસ સ્ટેશનથી કઠલાલ ચોકડી તરફ બનેલા બનાવની ફરિયાદમાં પોલીસ જાતે ફરિયાદી બની છે. જેમાં કઠલાલ પોલીસ સ્ટેશનની બહાર જ હિન્દુ-મુસ્લીમ કોમના ટોળાઓ આવ્યા હતા અને નારા લગાવતા મામલો ઉશ્કેરાયો હતો.
ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને કોમના ટોળાઓમાં ભેગા થયેલા ઇસમો પૈકી કેટલાક અજાણ્યા ઇસમો પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના આશયે હાથમાં લાકડીઓ તથા ડંડા જેવા હથિયારો લઇ આવી ગેરકાયદે મંડળી રચી આવતાં મંડળીને વિખેરાઇ જવા માટે જણાવ્યું હોવા છતા કઠલાલ પોલીસ સ્ટેશનની બાજુમાં ઇદગાહ આગળ આવેલા ગેરેજના લાકડાના ગલ્લાને તથા મોટરસાયકલને નુકસાન કર્યું હતું. તેમજ કઠલાલ પોલીસ સ્ટેશનથી કઠલાલ ચોકડી તરફ આશરે પચાસેક મીટર દુર રોડની સાઇડમાં મુકેલી એક મોટરસાયકલને આગ સળગાવી દઇ નુકસાન કરેલું તથા કઠલાલ ચોકડીએ મોબાઇલની દુકાને લગાવેલું બેનર વચ્ચેના ભાગેથી તોડી નાખી તથા કઠલાલ ચોકડીએ ફ્રૂટ સ્ટોલનો લોખંડનો ઘોડો નીચે જમીન ઉપર પાડી દીધો હતો. આમ આ ટોળાઓએ મિલકતને નુકસાન પહોંચાડયું હતું.
બે આરોપી પકડાયા, વીડિયોગ્રાફીથી પોલીસે તપાસ શરૂ કરી
કઠલાલ નગર થયેલી તકરારમાં ફરિયાદી સતિષભાઈ ગોર દ્વારા પાંચથી સાત ઈસમો સામે નોંધાવેલી ફરિયાદના અનુસંધાને બે આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા દાખલ કરેલી ફરિયાદના અનુસંધાનમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું છે.
કઠલાલમાં અમદાવાદ પોલીસ અને એસઆરપી પણ બોલાવાઈ
કઠલાલ નગરમાં જૂથ અથડામણને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ કઠલાલ આવી પહોંચી હતી. પરિસ્થિતિ જોતા આણંદ અને અમદાવાદ પોલીસ પણ જોડાઈ હતી. ગાંધીનગર એસઆરપીની પોલીસ પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે. ત્યારે સમગ્ર કઠલાલ નગરમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.