For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા લોકસભાની બેઠક ઉપર સરેરાશ 57.87 ટકા મતદાન

Updated: May 8th, 2024

ખેડા લોકસભાની બેઠક ઉપર સરેરાશ 57.87 ટકા મતદાન

- ગત ચૂંટણી કરતા 3 ટકા મતદાન ઘટયું

નડિયાદ : ખેડા લોકસભા બેઠક માટે યોજાયેલા મતદાનમાં કુલ ૫૭.૮૭ ટકા મતદાન નોંધાયુ છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીએ ઓવરઓલ મતદાનમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૮ લાખ મતદારો પૈકી ૧૦ લાખનું મતદાન નોંધાયુ હતુ. જ્યારે આ વખતે ૨૦ લાખ મતદારો પૈકી ૧૧.૬૧ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગત ચૂંટણીમાં જ્યાં ૬૦ ટકા ઉપરાંત મતદાન નોંધાયુ હતુ, ત્યાં આ વખતની ચૂંટણીમાં મતદાન ઘટયુ છે. વહેલી સવારે લોકો ૧૧ વાગ્યા સુધી ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આવ્યા હતા. પરંતુ જેમ તાપમાન ઉંચુ જતુ હતુ તેમ મતદાન મથકો પર લોકોની સંખ્યા ઘટી રહી હતી.

વહેલી સવારના આંકડા જોઈએ તો, મહેમદાવાદમાં સૌથી વધારે ૧૫.૫૪ ટકા અને સૌથી ઓછુ કપડવંજમાં ૮.૫૭ ટકા મતદાન થયુ હતુ. આ તરફ ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીના ૨ કલાકમાં પણ દસક્રોઈમાં ૨૫.૯૯ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કપડવંજમાં સૌથી ઓછુ ૨૪.૨૧ ટકા મતદાન નોંધાયુ હતુ. 

આ સાથે જ ૧૧ વાગ્યાથી ૧ સુધી દસક્રોઈમાં ૩૯.૫૪ સૌથી વધુ અને સૌથી ઓછુ મહેમદાવાદમાં ૩૪.૨૩ ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદ ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધીના બપોરના સમયે દસક્રોઈનું કુલ મતદાન ૪૮.૮૩ ટકાએ પહોંચ્યુ હતુ, તો મહેમદાવાદમાં સૌથી ઓછુ ૪૨.૦૨ ટકા મતદાન થયુ હતુ. આ પછી ૩થી ૫ કલાકમાં સૌથી વધુ માતરમાં ૫૬.૨૭ ટકા અને સૌથી ઓછુ નડિયાદમાં ૫૧.૦૮ ટકા મતદાન નોંધાયુ હતુ. આ વચ્ચે વર્ષ ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખેડા લોકસભામાં થયેલા મતદાનની વાત કરીએ તો તે વખતે કુલ ૬૦ ટકા મતદાન થયુ હતુ. જ્યારે આ વખતની ચૂંટણીમાં કુલ ૫૭.૮૭ ટકા મતદાન નોંધાતા ૨૦૧૯ની સરખામણીએ સરેરાશ મતદાન ઘટયુ છે. 

એકતરફ ક્ષત્રિય આંદોલનના પગલે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ૧૦૦ ટકા મતદાનની અપીલ કરી હતી, જ્યાં ક્ષત્રિય બાહુલ વિધાનસભાઓમાં સરેરાશ સારુ મતદાન થયુ છે. આ તરફ દસક્રોઈ અને નડિયાદમાં ક્ષત્રિય આંદોલનની અસર ખૂબ ઓછી હતી. જે પૈકી દસક્રોઈમાં સારૂ મતદાન થયુ છે અને નડિયાદમાં મતદાન ઘટયુ હોવાનું નોંધાયુ છે. 

કોંગ્રેસના ગઢ ગણાતા કપડવંજમાં કુલ ૫૭.૪૧ ટકા અને મહુધામાં ૫૬.૬૭ ટકા મતદાન થયુ છે. જ્યારે ભૂતકાળમાં ભાજપ ઉમેદવાર જ્યાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, તે માતર વિધાનસભામાં ૬૦.૭૬ ટકા મતદાન થયુ છે.

ભાજપ-કોંગ્રેસના આ દિગ્ગજોએ મતદાન કર્યુ

નડિયાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ મતદાન કર્યુ હતુ. કોંગ્રેસની વાત કરીએ તો લોકસભા ઉમેદવાર કાળુસિંહ ડાભીએ કઠલાલના છીપીયાલ ગામે પોતાના બૂથ પર મતદાન કર્યુ હતુ. આ તરફ નડિયાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા દિનશા પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ હાદક ભટ્ટે મતદાન કર્યુ હતુ. બીજીતરફ ભાજપમાંથી ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે મતદાન કર્યુ હતુ.


Gujarat