ડાકોરમાં આઠ કૂંજમાં રણછોડરાય સાથે તુલસીવિવાહ સંપન્ન
- ચરોતરમાં દેવઉઠી અગિયારસની ઉજવણી : ઠાકોરજીના વરઘોડામાં હજારો ભક્તો ઉમટયાં
- તુલસીવિવાહ નિમિત્તે યાત્રાધામમાં રણછોડરાયજીએ સોળેશણગાર સજ્યા : લક્ષ્મીજી સાથે ઠાકોરજીને બિરાજમાન કરાયા : મંદિર ચોકમાં લગ્નના ગીતો ગવાયા : ઇન્ડિપિંડીથી ઠાકોરજીની નજર ઉતારાઇ
ડાકોર મંદિરમાં મંગળવારે સવારે નિત્યક્રમાનુસાર મંગળા આરતી બાદ ઠાકોરજીને ઝરીના અલંકારિત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. બાદમાં શણગાર આરતી બાદ શેરડીના રાડાનું મંડપ મુહુર્ત નીજ મંદિરમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને નિત્યક્રમ અનુસાર બપોરે પોઢાડી દેવામાં આવ્યા હતા.
સોળેશણગારમાં દુલ્હાના સ્વરૂપમાં ઠાકોરજીને સાંજે સજાવવામાં આવ્યા હતા. ઘોડા ઉપર ઠાકોરજીને બિરાજમાન કરી ભારે આતશબાજી અને ઘામઘૂમખી સાથે વરઘોડો યોજાયો હતો. રણછોડરાયની લગ્નવિધિ માણવા હજારો લોકો વરઘોડામાં જોડાયા હતા.
લગ્નના વરઘોડામાં ડાકોરના ભૂલકાંઓ શેરડીના રાડામાં કોપરાનું કાચલું મુકી અંદર ઘીના દિવા પ્રગટાવેલા મેરાયુ લઈ વરઘોડામાં જોડાયા હતા. જ્યારે ડાકોરની ગૃહિણીઓએ રણછોડરાયજી પાછળ લુણ ખડખડાવવાની પરંપરાનો લ્હાવો લીધો હતો.
મંદિરમાં બનાવેલા આઠેય કુંજોમાં તુલસીની પ્રતિમા સાથે અર્ધલગ્ન કરાવી જુના રીત-રિવાજ અને પરંપરા મુજબ લક્ષ્મીજીએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં લક્ષ્મીજીની પ્રતિમાના પાછળના ભાગમાં બનાવેલા કુંજમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લક્ષ્મીજી સાથે ઠાકોરજીને બિરાજમાન કરાયા હતા. બાદમાં મંદિરમાં પરત આઠ કુંજોમાં તુલસીજી સાથે લગ્ન વિધિ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ઠાકોરજીની ઈન્ડિપિંડીથી નજર ઉતારી તુલસીજીની પ્રતિમા સાથે ઠાકોરજીને સયન કક્ષમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા.