ડાકોરમાં પાણી વિતરણ બંધ હોવાથી નગરજનોનો પાલિકા કચેરીએ હોબાળો
- 5 દિવસથી પાણી આવતું ન હોવાથી રઝળપાટ
- ટેન્કરથી પાણી વિતરણમાં પાલિકાની વ્હાલાદવલાની નીતિનો આક્ષેપ : ચાલુ વર્ષનો ટેક્સ નહીં ભરવાની લોકોની ચિમકી
અંદાજે ૩૦ હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા ડાકોરમાં છેલ્લા પાંચ દિવસથી પાણી વિતરણ ન કરાતા લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવાની સ્થિતિ ઉદભવી છે. પાણી ઉપરાંતની પ્રાથમિક સુવિધાઓ અંગે નગરવાસીઓએ સ્થાનિક સ્તરેથી ગાંધીનગર સુધી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે.
તેમછતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા નગરજનો મંગળવાપે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેમજ સ્થાનિક ધારાસભ્ય અને ડાકોર નગરપાલિકાના પૂર્વ સભ્યોની બેજવાબદારીનું પરિણામ નગરજનો ભોગવી રહ્યા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
પાણી વિતરણ થતું ન હોવાથી તંત્ર ટેન્કરો દ્વારા પાણી પુરું પાડી રહી છે, જેમાં પણ તંત્ર દ્વારા વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેમ કેટલાક વિસ્તારોમાં ટેન્કરથી પણ પાણી પુરું પાડવામાં ન આવતું હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ડાકોરમાં દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન છે, ત્યારે નગરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો, પાણીની તૂટેલી લાઈનોના કારણે નગરજનો ત્રસ્ત બન્યા છે. તેમજ લાઈનના રિપેરિંગના બહાને નગરમાં મસમોટા ખાડા પાડી દીધા બાદ ૧૫ દિવસથી વધુનો સમય વિત્યો હોવા છતાં સમારકામની કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
ગઈકાલે ચાર્જ સંભાળ્યો હોવાથી પૂરી ભૌગોલિક સ્થિતિની જાણ નથી
આ અંગે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાકોર પાલિકામાં ગઈકાલથી ચાર્જ સંભાળ્યો છે. હજૂ પુરી ભૌગોલિક સ્થિતિની તપાસણી કરી નથી. હું આ બાબતે સેનેટરી ઈન્સ્પેક્ટરને પુછીને જણાવીશ તેમ જણાવ્યું હતું.
મોટર બળી જતાં રિપેરિંગમાં મોકલી છે
આ અંગે ડાકોર નગરપાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર તારક ભટ્ટે જણાવ્યું હતું કે, મોટર બળી ગઈ છે. જે રિપેરિંગ થઈ આવતીકાલે મળશે. જેથી આવતીકાલથી પાણી મળશે.