Get The App

નડિયાદ તાલુકાના અરેરા ગામની એસ.ટી. બસના પ્રશ્ને વિદ્યાર્થીઓનો ડેપોમાં હલ્લાબોલ

Updated: Dec 20th, 2022


Google NewsGoogle News
નડિયાદ તાલુકાના અરેરા ગામની એસ.ટી. બસના પ્રશ્ને વિદ્યાર્થીઓનો ડેપોમાં હલ્લાબોલ 1 - image


- બસ ડ્રાઇવરની મનમાનીથી મુસાફરો પરેશાન, બસો ઉભી રખાતી નથી

- છેલ્લા દોઢ માસથી એસટી બસોના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન

નડિયાદ : નડીયાદ તાલુકાના અરેરા પાટીયા સ્ટેન્ડ પર એસટી બસો ઊભી ન રહેતા શાળા કોલેજમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે નડિયાદથી અરેરા ગામની બસ તેમજ અરેરા પાટીયા પરથી પસાર થતા એસટી બસોના ધાંધીયા દૂર કરવા ગ્રામજનોમાં લાગણી વ્યાપી છે.

નડિયાદ મહેમદાવાદ રોડ પર અરેરા પાટીયા બસ સ્ટેન્ડ આવેલ છે. નડિયાદ તેમજ અમદાવાદ તરફની વાયા ખાત્રજ ચોકડીની સંખ્યાબંધ એસટી બસો દોડે છે. ત્યારે છેલ્લા દોઢેક માસથી સવારે ગામથી નડિયાદ જતી બસ મોડી આવતી હોય તેમજ રોડ પર થી પસાર થતી એસટી બસના ડ્રાઇવરો અરેરા પાટીયા પર બસ ઉભી રાખવામાં મનમાની કરી રહ્યા છે.

 અમુક એસટી બસો અરેરા પાટીયા પર ઉભી રહે છે. જ્યારે મોટાભાગની ખાત્રજ ચોકડી તરફની દોડતી લોકલ એસટી બસના ડ્રાઇવરો અરેરા પાટીયા પર બસ ઉભી રાખવાને બદલે બારોબાર હંકારી જતા હોય છે. જેના કારણે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ રખડી પડતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એસટી બસોના ધાંધીયાથી રોષ ભરાયેલા ડેપ્યુટી સરપંચ સહિત વિદ્યાર્થીઓ ગ્રામજનો હલ્લાબોલ કરી અરેરાથી સાત કી.મી પગપાળા નડિયાદ એસટી ડેપોમાં આવી ધરણા પર બેઠા હતા. આ બનાવની જાણ થતા ડેપો મેનેજરે દોડી આવી અરેરાની એસ.ટી.બસો નિયમિત કરવાની તેમજ અરેરા પાટીયા પર એસટી બસો ઉભી રખાવાની હૈયાધારણ આપતા મામલો થાળે પડયો હતો.

નડિયાદથી અરેરા બસ અનિયમિત આવે છે- ડેપ્યુટી સરપંચ

નડિયાદથી અરેરા ગામની સવારની બસ ઘણી અનિયમિત આવતી હોય વિધાર્થીઓને અભ્યાસ ગુમાવવો પડે છે ત્યારે આ બસને નિયમિત દોડાવવા તેમજ અરેરા પાટીયા પરથી પસાર થતી એસ.ટી.બસોને ઊભી રાખવામાં આવતી ન હોવાના પ્રશ્ને ડેપ્યુટી સરપંચ કિરણભાઇએ રોષ વ્યક્ત કર્યો છે.

એરેરા ગામની એસ.ટી.બસને સમયસર દોડાવવામાં આવશે- ડેપો મેનેજર

અરેરા નડિયાદ બસની અનિયમિતતા મુદ્દે વિધાર્થીઓએ કરેલા હોબાળા અંગે ડેપો મેનેજર નો સંપર્ક કરતાં તેઓએ સમયસર બસ દોડાવવા તેમજ હાઇવે પરથી પસાર થતી એસ.ટી.બસોને અરેરા પાટીયા પર ઊભી રાખવા સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Google NewsGoogle News