Get The App

મહુધા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો પાસે પૈસા પડાવાતા આવેદનપત્ર

- સણાલી સેજામાં સુપરવાઈઝર મહિલા માસિક બે હજારનો હપ્તો ઉઘરાવતા હોવાનો ડીડીઓ સમક્ષ આક્ષેપ

Updated: Jan 4th, 2021


Google News
Google News
મહુધા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો પાસે પૈસા પડાવાતા આવેદનપત્ર 1 - image


નડિયાદ, તા.4 જાન્યુઆરી 2021, સોમવાર

મહુધા તાલુકાની વર્કર બહેનોએ સુપરવાઇઝર ની પરેશાની માટે  જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આંગણવાડીની બહેનો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવાતા હોવાનો આક્ષેપ આ આવેદનપત્રમાં કર્યો છે. 

મહુધા તાલુકાના આંગણ વાડીની વર્કર બહેનોએ આજે જિલ્લા વિકાસ અધિકારીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મહુધા તાલુકાના સણાલી સેજામાં સુપરવાઇઝર તરીકે કિરણબેન પટેલ ફરજ બજાવે છે. તેઓ આંગણવાડીની બહેનો પાસેથી માસીક હપ્તા પેટે  બે હજાર ઉઘરાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે.તેમજ જો આ બહેનો પૈસા આપવાની ના પાડે તો સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપે છે. ઉપરાંત આ સુપરવાઇઝર બહેન જ્યારે સેન્ટરો ઉપર વિઝીટ કરવા આવે ત્યારે બહેનો સાથે ખરાબ વર્તન કરીને અપમાન કરતા હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે. છેલ્લા એક મહિનાથી તેમનો ત્રાસ વધી જતા આવેદનપત્ર આપવાની ફરજ પડી હોવાનું તેમણે જણાવ્યું છે.

આ અગાઉ મહુધા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે લેખિત રજૂઆતો કરી હોવાનુ  પણ આ આવેદનપત્રમાં જણાવ્યુ છે. આ બાદ આંગણવાડીની તમામ બહેનોને તાલુકા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યાં હતાં અને રૂબરૂ જવાબો લખી તેમને યોગ્ય ન્યાય માટે બાહેંધરી આપવામાં આવી હતી. જે વાતને આજે દશ દિવસ વીત્યા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત આ સુપરવાઇઝર બહેનની બદલી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ ચિમકી આ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. ઉપરાંત કોઇ નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સ્થિત આઇ.સી.ડી. એસ.ના કમિશ્નરને આવેદનપત્ર આપી ધરણા ઉપર બેસીશુ તેવું પણ આવેદનપત્રમાં જણાવ્યુ છે.

Tags :