કપડવંજમાં અરજદારો આધારકાર્ડની કામગીરી માટે ધક્કા ખાવા મજબૂર
- એજન્સી દરરોજ માત્ર 25 ટોકન ઈસ્યુ કરતી હોવાનો આક્ષેપ
કપડવંજ તાલુકા સેવા સદન ખાતે આવેલા એટીવીટી વિભાગમાં આધારકાર્ડ માટે આવતા અરજદારોને હાલાકી વેઠવી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે. કપડવંજ શહેર તથા તાલુકામાંથી આવેલા અરજદારોને ટોકન નંબર ઈસ્યુ કરવામાં આવે છે. દરરોજની ૮૦ જેટલા આધારકાર્ડની કામગીરીની ક્ષમતા હોવા છતાં એજન્સી દ્વારા માત્ર ૨૫ ટોકન ઈસ્યુ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયા છે. જેથી ખર્ચ કરીને તાલુકા મથકે પહોંચેલા અરજદારો ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
આ બાબતે નાયબ મામલતદાર શતદીપ રાઠોડે જણાવ્યું હતું કે, તેમની પાસે આધારકાર્ડની કામગીરી કરતી બે કીટ છે. એક કીટ દીઠ અંદાજે અરજદારોને ૪૦ ટોકન આપવામાં આવે છે. એટલે કે દરરોજ ૮૦ જેટલા આધારકાર્ડની કામગીરી થાય. આ જવાબદારી એજન્સીની છે, જ્યારે અમારી જવાબદારી એજન્સીને સુચના આપવાની છે, જે અંગે તેમને સુચના આપીશું તેમ વધુમાં ઉમેર્યું હતું.