આણંદના વેપારીને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની કેદ
- સાયલાના વેપારીએ કેસ કર્યો હતો
- વર્ષ 2016 માં લીધેલા માલસામાનના 9.49 લાખ ચૂકવવા આદેશ
સાયલા તાલુકાના આશિર્વાદ સ્ટોન ક્રસરના ભાગીદાર અને ફરિયાદી પ્રવિણસિંહ અમરસિંહ જાડેજાએ આણંદ જિલ્લાના ધર્મજ ગામના બે શખ્સો ચેતનભાઈ શશીકાન્તભાઈ ઠક્કર અને રશ્મીનભાઈ બાબુભાઈ પટેલને વર્ષ ૨૦૧૬માં કપચી સહિત અંદાજે રૂા.૧૩.૪૯ લાખનો માલ આપ્યો હતો.
તે પેટેની રકમ બાકી હતી, જેની અવાર-નવાર ફરિયાદીએ ઉધરાણી કરતાં બન્ને શખ્સો દ્વારા આ રકમ આપવામાં આવતી નહોતી અને ફરિયાદીને રૂા.૬ લાખનો ચેક આપ્યો હતો. જે ફરિયાદીએ સાયલા બ્રાન્ચની બેન્કમાં જમા કરાવતા અપુરતા બેલેન્સને કારણે ચેક બાઉન્સ થયો હતો.
જે અંગેની જાણ કરતાં બાકી રકમ પેટે રૂા.૩ લાખ રોકડા ચુકવ્યા હતા અને બાકીની રકમ માટે રૂા.૯.૪૯ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો. આ ચેક પણ ખાતામાં જમા કરાવતા અપુરતા બેલેન્સને કારણે બાઉન્સ થયો હતો.
આથી ફરિયાદીએ વકીલ મારફતે બન્ને શખ્સોને નોટીસ પાઠવી હતી પરંતુ તેનો પણ જવાબ ન આપતા અંતે સાયલા મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા ફરિયાદીના વકીલની દલીલો અને મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓના આધારે સાયલા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટના જયેશભાઈ વાલજીભાઈ ચૌહાણ દ્વારા બે શખ્સો પૈકી ચેતનભાઈ શશીકાન્તભાઈ ઠક્કરને દોષીત ઠેરવી એક વર્ષ અને ૬ મહિનાની સાદી કેદની સજા અને રૂા.૯.૪૯ લાખનો દંડ ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.