દંતાલી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા રાહદારીનું મોત
- ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવ
- બાઈક અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બાઈક સવાર 6 લોકોને ઈજા
વસો તાલુકાના ઝારોલ દુધિયા ફળિયામાં રહેતા અરવિંદભાઈ હીરાભાઈ સોલંકી તા.૨૭ની સવારે મોટરસાયકલ લઇ નેશનલ હાઇવે નં.૪૮ દંતાલી સીમમાંથી પસાર થતા હતા. ત્યારે નિરાંત સેવાશ્રમ નજીક રોડની સાઈડમાં ચાલીને જઈ રહેલા અજાણ્યા પુરૂષને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો.
જેથી ગંભીર રીતે ઈજા પામેલા ૪૮ વર્ષના આધેડને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.
જ્યાં તા.૧૪ ડિસેમ્બરના રોજ અજાણ્યા આધેડનું મોત નીપજ્યું હતું. આ અંગે અરવિંદભાઈની ફરિયાદના આધારે વસો પોલીસે ગુનો નોંધી અજાણ્યા આધેડના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.
ઉપરાંત ઠાસરા તાલુકાના માસરામાં રહેતા કરણસિંહ પર્વતસિંહ ચાવડા તથા તેના મામાનો દીકરો ભરત ઠાકોર તેમજ અન્ય મિત્રો પોતાના વાહન લઈ તા.૧૦ ડિસેમ્બરના રોજ પીજ મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા, ત્યારે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ચલાલી પાટિયા ડાકોર રોડ પર વિજયભાઈએ મોટરસાયકલ પર નો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાતા વિજયભાઈ રાયસીંગ રાઠોડ તેમજ પાછળ બેઠેલા કરણસિંહ ચાવડાને રોડ પર પડી જતા ઈજા થઈ હતી.
જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે કરણસિંહની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ નિલેશભાઈ ચંદુભાઈ ખ્રિસ્તી (રહે. સિંધાલી, તા.મહુધા) તા.૧૪ ડિસેમ્બરની સાંજે મોટર સાયકલ પર તેના મિત્ર રાજેશભાઈ ગોકુલભાઈ વસાવાને બેસાડી સિદ્ધિવિનાયક મંદિર ખાત્રજ ચોકડી દર્શન કરી નડિયાદ આવતા હતા.
ત્યારે જીભઈપુરા અમૂલ ડેરી નજીક પાછળથી પૂર ઝડપે આવેલા મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા નિલેશ ખ્રિસ્તી અને રાજેશ વસાવાને રોડ પર પડી જતા ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક રાહુલભાઈ ઠાકોર તથા દીપકભાઈ રાવળને પણ ઇજા થતા સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ અંગે નિલેશભાઈ ખ્રિસ્તીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.