કદવાલ ગામે દૂધ ભરવા જતી વૃદ્ધાનું બાઇકની અડફેટે મોત
- વૃધ્ધાની સાથે જઇ રહેલા પૌત્ર અને પૌત્રીને પણ ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
પાવીજેતપુર : પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે દૂધ ભરવા જતાં દાદી પૌત્રોને બાઇકચાલકે અકસ્માત કરી દેતા સારવાર દરમ્યાન દાદીનું મોત થયું હતું.
તા.૧ નવેમ્બરની સાંજે ૬.૩૦ વાગ્યે દાદી લખીબેન (ઉ.વ.૬૪) તથા તેમની સાથે પૌત્રી નેહલબેન તથા પૌત્ર આયુશભાઇ (ઉં.વ.૪) નાની ખાંડી દુધ ડેરી ઉપર દૂધ ભરવા માટે ચાલતા ચાલતા જતા હતા. તે સમયે ફળીયાના હનુમાનદાદાના મંદિર નજીક જતા મોટર સાયકલના ચાલક પાછળથી અથાડી દેતા લખીબેન તથા નેહલબેનને ઇજા થઇ હતી.
ખાનગી વાહનમાં બેસાડી કદવાલ સરકારી દવાખાને લઇ ગયેલા ત્યાં ફરજ પરના ડોકટરે લખીબેનની સારવાર કરતા જણાવેલું કે બંને હાથોમાં ફ્રેકચર થયેલું છે.
છોકરી નેહલબેનને માથાના ભાગે વાગેલું છે તેમ જણાવેલું અને લખીબેનને ઇજા વધુ હોવાથી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતાં હતા અને સંખેડા નજીક પહોંચતા તેઓનું રસ્તામા જ મોત થયું હતું. બાઇક ચાલક પોતાની બાઇક ત્યાં જ ફેંકી નાસી ગયો હતો. જેના વિરૂધ્ધ કદવાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.