મહીજ ગામે જૂની અદાવતમાં હુમલો કરતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
- ખેડા પોલીસે 2 શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો
- વૃદ્ધ રવેશીમાં સુતા હતા ત્યારે એક્ટિવા પર આવેલા શખ્સો માથામાં લાકડી ફટકારી ભાગી ગયા હતા
ખેડા તાલુકાના મહીજ ગામે વિનુભાઈ શનાભાઇ રાવળ પરિવાર સાથે રહે છે. વિનુભાઈના કાકા જકાભાઈની જમીન સંતોકબેન અને તેમના દીકરા નટુભાઈ મજુરી ભાગે વાવે છે. ચાર મહિના પહેલા શનાભાઇ રાવળ અને નટુભાઈ વચ્ચે ખેતરમાં પાણી લેવા બાબતે ઝઘડો થયો હતો. તા.૨૭મીની રાત્રે વિનુભાઈ રાવળ કિશન તડવીના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં બાઈક લઈને ગયા હતા. આ દરમિયાન સંતોકબેન અને તેમના દીકરા નટુભાઈએ વિનુભાઈ સાથે ઝઘડો કર્યો હતો. પરંતુ લગ્ન પ્રસંગ બગડે નહીં તે માટે વિનુભાઈ સમાધાન કરી ઘરે જતા રહ્યા હતા. આ દરમિયાન તેઓ અલ્પેશભાઈ રાવળની દુકાને સિગરેટ પીવા ગયા હતા ત્યારબાદ તેઓ ઘરે જઈ સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના અઢી વાગ્યાના સુમારે ઘરની રવેશીમાં તેમના પિતા શનાભાઇ રાવળ ગાઢ નિંદ્રામાં સુતા હતા ત્યારે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પૂર્વ આયોજિત કાવતરું રચી એક્ટિવા ઉપર આવેલા મહેશભાઈ કાળુભાઈ રાવળે શનાભાઇ રાવળના માથામાં મારી નાંખવાના ઇરાદે લાકડી ફટકારતા શનાભાઇએ બૂમો પાડતા તેમનો દીકરો વિનુભાઈ ઘરની બહાર આવતા એકટીવા લઈને આવેલા ઈસમ પાછળ બેસી મહેશભાઈ રાવળ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.
આ બનાવની જાણ થતા ફળિયાના લોકો દોડી આવ્યા હતા. તેઓએ લાકડીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શનાભાઇ રાવળને તુરંત જ સારવાર માટે બારેજાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે શનાભાઇ રાવળને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં શનાભાઇ શકરાભાઈ રાવળ ઉંમર વર્ષ ૬૨નું આજે મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે વિનુભાઈ શનાભાઇ રાવળની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે મહેશભાઈ કાળુભાઈ રાવળ તેમજ અજાણ્યા એક્ટિવા ચાલક સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.