નડિયાદના વૃદ્ધનું અપહરણ કરી 1.3 લાખની લૂંટ કરાઇ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
નડિયાદના વૃદ્ધનું અપહરણ કરી 1.3 લાખની લૂંટ કરાઇ 1 - image


- અજાણી મહિલાને લિફ્ટ આપતા પહેલા ચેતજો

- વિજિલન્સ પોલીસની ઓળખ આપી કારમાં બેસાડી દીધા, માર મારી લૂંટી લીધા

નડિયાદ : નડિયાદથી મોટર સાયકલ લઈને સુરાશામળ જતા વૃદ્ધ પાસે સુમસામ જગ્યાએ ઊભેલી એક મહિલાએ લિફ્ટ માંગી હતી. બાદમાં પાછળ કારમાં આવેલા ૩ અજાણ્યા ઈસમોએ વીજીલન્સ પોલીસની ઓળખ આપી વૃદ્ધને બળજબરી પૂર્વક ગાડીમાં અપહરણ કરી લઈ જઈ રોકડ તેમજ સોનાની વીંટી મળી કુલ રૂ. ૧,૦૩,૪૦૦ ની લૂંટ કરી વૃદ્ધને સિહુંજ ચોકડી ઉતારી અજાણ્યા ગઠીયા કાર લઈ ફરાર થઈ ગયા હતા.

 નડિયાદ પટેલ સોસાયટી, સૂર્ય એપાર્ટમેન્ટ પાછળ રહેતા હિરમનભાઈ વિશ્વનાથ સકારામ આવ્હાડ ઇન્ડિયન બેંક સુરશામળમાંથી પટાવાળામાંથી નિવૃત્ત થયેલા છે. પરંતુ હાલ બેંકમાં જરૂર હોય હિરમનભાઈ સેવા આપી રહ્યા છે. તેઓ તા.૧૩/૧/૨૪ માં રોજ મોટરસાયકલ લઈને નહેર પર થઈ સુરાશામળ બેંકમાં જતા હતા. 

આ દરમિયાન એક્સપ્રેસ વે બ્રીજ નજીક હઠીપુરા સીમ નજીક દુપટ્ટો બાંધી ઉભેલી મહિલાએ હાથ ઊંચો કરતા મોટરસાયકલ ઉભી રાખી હતી. ત્યારે ૪૦ વર્ષના આશરાની મહિલાએ વૃદ્ધ બાઈક ચાલકને તમે ક્યાં જાવ છો કહેતા બાઇક ચાલકે સુરાશામળ જઉં છું તેમ કહેતા મહિલાએ હઠીપુરા સીમ સુધી જવાનું કહી મોટર સાયકલ પર બેસી ગઈ હતી. 

બાદમાં મહિલાએ થોડા આગળ જઈ મારી ભાભીનો ફોન આવે છે કહી બાઈક સાઈડમાં ઉભું રખાવ્યું હતું. બાઈક ઉભું રહેતા મહિલા બાઇક પરથી ઉતરી ફોન પર વાત કરતી હતી. ત્યારે બાઈક પાછળ આવેલ ગાડી મોટરસાયકલ પાસે ઉભી રાખી તેમાં બેઠેલા ત્રણ ઈસમોએ ઉતરી અમે વીજીલન્સ પોલીસના માણસ છીએ કહી, તું અહીં રોડ પર શું ધંધો કરે છે કહી વૃદ્ધને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધેલ જ્યારે તેમની સાથે નરેશ નામના ઇસમને વૃદ્ધનું મોટરસાયકલ લઈને પાછળ આવવા જણાવેલ.

જ્યારે ઝુબેર નામના ઇસમને ગાડીમાં આગળ બેસાડી જ્યારે વૃદ્ધના બાઈક પર આવેલ મહિલા રેખાને ગાડીની પાછળની સીટ પર બેસાડી ગાડી હંકારી મરીડા રીંગરોડ થઈ સિંહુજ તરફ ગાડી હંકારી ગયા હતા. જ્યાં રસ્તામાં વૃદ્ધને લાફા મારી રૂ. ૩૭,૯૦૦ રોકડ તેમજ સોનાની બે વીંટી તેમજ એટીએમ કાર્ડ લઈ કુલ રૂ.૧,૦૩,૪૦૦ ની લૂંટ ચલાવી સિંહુજ ચોકડી નજીક વૃદ્ધને ગાડીમાંથી ધક્કો મારી ઉતારી દઈ બાઇકની ચાવી આપી ખાત્રજ તરફ ગાડી હંકારી ફરાર થઈ ગયા હતા.  

આ બનાવ અંગે હિરામન વિશ્વનાથ સકારામ આવ્હાડની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે રેખા, રમેશ, ઝુબેર તથા નરેશ નામના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News