ચોરીના બાઈક સાથે 27 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
- વડતાલ પોલીસે વલેટવા ચોકડીથી પકડયો
- આણંદ ટાઉન- રૂરલ સહિત 5 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની આરોપીએ કબૂલાત કરી
વડતાલ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન એક ઈસમ ચોરીની મોટરસાયકલ લઈ પેટલાદથી વલેટવા ચોકડી થઈ નડિયાદ જતો હતો. ત્યારે તેને ઉભો રાખી તેની પાસે વાહનના કાગળો માંગતા મળી આવેલા નહીં કે સંતોષકારક જવાબ ન આપતા સઘન પૂછપરછ કરતા જગદીશ ઉર્ફ જીગો ગોરધનભાઈ રોહિત (રહે. સામરખા,તા.સાણંદ)એ ત્રણ માસ પહેલા અજરપુરાથી મોટરસાયકલ ચોરી કર્યાની કબુલાત કરી હતી.
આ આરોપીએ અગાઉ સાણંદની ઇકો ગાડી ચોરી કરી મુકેશ ઉર્ફ બાલી રમેશ ઈશ્વરભાઈ સોલંકી સાથે મળી તા.૨૧/૧૦/૨૩ ના રોજ વલેટવા ચોકડીથી તાંબા પિત્તળના વાસણોની ચોરી કરી હતી. આમ વડતાલ પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
વડતાલ પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી વડતાલ, આણંદ રૂરલ, સાણંદ, દહેગામ તથા બોરસદ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉકેલયા છે. આ આરોપી સામે કઠલાલ, આકલાવ, વરણામા, ભાલેજ, બોરસદ, વડોદરા, વિદ્યાનગર, પ્રાંતિજ સહિત ૨૭ જેટલા ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ આરોપીએ આણંદ ટાઉન, આણંદ રૂરલ, પેટલાદ, સોજીત્રા, આંકલાવ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુના કર્યા હોવાની કબુલાત કરી છે.