અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સાથે રૂા. 1.63 લાખની ઠગાઈ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સાથે રૂા. 1.63 લાખની ઠગાઈ 1 - image


- ક્રેડિટકાર્ડના વેરિફિકેશનના બહાને છેતરપિંડી

- કપડવંજના કાપડીવાવ પ્લાન્ટના સિનિયર આસિસ્ટન્ટ પાસે ગઠિયાએ ઓટીપી માંગી ઓનલાઈન રૂપિયા ઉપાડી લીધા

કપડવંજ : અમૂલ ડેરીના ડિરેક્ટર હરિભાઈ પટેલના પુત્ર પારસ પટેલ કપડવંજના કાપડીવાવની અમૂલ ડેરીના પ્લાન્ટમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પારસ પટેલ સાથે ક્રેડિટકાર્ડના વેરિફિકેશનના બહાને ઓટીપી માંગી ગઠિયાએ ઓનલાઈન રૂા. ૧.૬૩ લાખની છેતરપિંડી આચરી છે. આ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વિશ્વાસઘાટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

કપડવંજ તાલુકાના કાવઠ ગામમાં રહેતા અને અમુલના ડિરેક્ટર હરિભાઈ પટેલના પુત્ર પારશકુમાર પટેલ કપડવંજ કાપડીવાવ ખાતેની અમૂલ ડેરીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જાન્યુઆરી ૨૦૨૪માં તેઓએ એચડીએફસી બેંકમાં હોમલોન લેવા ખાતું ખોલાવ્યું હતું. જેમાં ક્રેડિટકાર્ડની ઓફર હોવાથી ક્રેડીટકાર્ડ લીધું હતું. દરમ્યાન કાર્ડ આવતા પહેલા તા.૨૫ ફેબુ્રઆરીના રોજ કોઈ અજાણ્યા ઇસમે તેમના મોબાઇલ પર ફોન કરી કહેલું કે, તમારૂ ક્રેડીટકાર્ડ આવ્યું છે. બાદમાં તા. ૨૯ ફેબુ્રઆરીના રોજ ક્રેડીટકાર્ડ આવી ગયું હતું. તે દિવસે સાંજના ફરીથી ઉપરોક્ત નંબરવાળા અજાણ્યા ઇસમનો ફોન આવ્યો અને કાર્ડનું ઓનલાઇન વેરીફીકેશન કરવાનું છે તો તમારો ઇમેઇલ આઇડી આપો. જે મોકલતા સામેથી એક લિંક પારસકુમરાને મોકલી હતી. જે લીંક ખોલતા ઈમેલ પર એક ઓટીપી આવ્યો હતો. જે સામેવાળાને આપ્યો હતો. બાદમાં વેરિફિકેશન પુરૂ થઈ ગયું છે તેમ કહી ફોન મૂકી દીધો હતો. 

તા.૧૩મી માર્ચના રોજ બેંકમાંથી ફોન આવેલો કે ક્રેડીટકાર્ડનું બીલ ઓનલાઈન ભરશો કે ઈએમઆઈ કરશો, તો પારસભાઈએ શેના પૈસા પૂછતા બેંકમાંથી જણાવેલું કે તા.ર૬ ફેબુ્રઆરીના રોજ તમારા ક્રેડિટકાર્ડથી ૧,૬૩,૦૮૯ રૂપિયા બ્રોકર ટેકનોલોજી બેંગલોરૂ ઇન્ડિયા ખાતે ટ્રાન્સફર થયા છે. 

ત્યારે પારસકુમારે મેં કાર્ડ વાપર્યું જ નથી તેવું કહેતા બેંકે તમારી સાથે ફ્રોડ થયું હશે તેવું જણાવ્યું હતું. આ સંદર્ભે પારસકુમાર પટેલની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ છેતરપિંડી- વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News