થામણા ગામના તળાવની સંરક્ષણ દીવાલનું કામ નબળું થયાનો આક્ષેપ
- નાણાપંચની 5 લાખની ગ્રાન્ટમાંથી કામ શરૂ
- કામ બંધ હોવાથી રેતી પર દળ પડયો : સરપંચ, તપાસ કરીને આગળ કાર્યવાહી કરીશું : તાલુકા એન્જિનિયર
ઉમરેઠ તાલુકા પંચાયતની થામણા ગ્રામ પંચાયત ખાતે સરકારની અલગ અલગ ગ્રાન્ટનો ઉપયોગ કરી એક વર્ષથી થામણાના તળાવમાં પુર સૌરક્ષણ દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે હાલ નાણાપંચની પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ કામ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટરની રાત્રિ સભામાં પણ આ કામ અંગે ગણગણાટ થયો હતો પરંતુ, સરપંચ આ કામ કરાવી રહ્યા છે તે ભાજપના મોટા માથાની છત્રછાયાવાળા એક વ્યક્તિનું હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો કરવાનું ટાળ્યું હતું. ઘણા સમયથી ગ્રામજનોની સફાઈ અને ગંદકી બાબતે ફરિયાદો તો ઉઠી જ છે. હાલ પુર સરક્ષણ દીવાલનું કામ ચાલી રહ્યું છે તેમાં કોલમ- બીમમાં મુખ્ય કહેવાતી દળ જેવી રેતી વાપરી અને ટેન્ડર ક્વાલિટી પ્રમાણેની કપચીનો ઉપયોગ નહીં કરાતી હોવા છતાં સરપંચ દ્વારા યોગ્ય ચકાસણી વગર કામ કરાઈ રહ્યું હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. તાલુકાના એન્જિનિયર સિસોદિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે થામણાનો ચાર્જ હમણા જ આવ્યો છે. જેથી તપાસ કરીને આગળ કાર્યવાહી કરીશું.થામણા ગામના સરપંચ ચંદ્રકાંતભાઈ મુખીએ કહ્યું છે કે, કામ બંધ હતું માટે રેતી ઘણા સમયથી પડેલી હતી.
જેથી રેતી પર દળ પડેલો છે. મટિરિયલ જે એજન્સી કામ કરે છે તેને પંચાયત એગ્રીમેન્ટ મુજબ લાવી આપે છે. ગ્રામ પંચાયત પેટા એજન્સી પાસે કામ કરાવતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.