કપડવંજના નીરમાલીમાં 6 લાખના ગટરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
કપડવંજના નીરમાલીમાં 6 લાખના ગટરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ 1 - image


- ભાથીજી અને પગીવગા ફળિયાના રહિશોમાં રોષ

- ગટર લાઈનનું અધૂરું કામ કરી આડેધડ માટી પૂરાણ કરી દેતા ચોમાસામાં લોકો હાલાકી ભોગવવા મજબૂર

કપડવંજ : કપડવંજ તાલુકાની નીરમાલી ગ્રામ પંચાયત સતત વિવાદોથી ગેરાયેલી રહી છે. ત્યારે નીરમાલીમાં ગટર લાઈનનું અધૂરું કામ કરી માટી પૂરાણ કરી દેતા ભાથીજી ફરિયું અને પગીવગા વિસ્તારના રહિશો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે અંદાજે ૬ લાખની મંજૂર થયેલી ગટર લાઈનમાં ભ્રષ્ટાચારની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી ઉચ્ચકક્ષાએ તપાસની માંગણી કરી રહ્યા છે.

નીરમાલી ગ્રામ પંચાયતના સદસ્ય વિણાબેન વનરાજસિંહ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ઘણા સમયથી ભાથીજી ફળિયું તેમજ પગીવગા વિસ્તારમાં ગટર લાઇનનું કામ અધૂરું રાખ્યું છે. આ ગટર લાઇન ઢંગધડા વગરની બનાવવામાં આવી છે, રસ્તા પર અધુરી ગટર લાઇનમાં અમુક જ કનેકશન જોડીને ગટર બંધ કરી દેવામાં આવતા તેમજ બાદમાં ખોદકામ કરાયેલા આ આરસીસી રસ્તા પર માટી કામ ખાડાઓ પડી જાય તે રીતે પુરાણ કરી અધુરૂ કામ કરી દીધુ છે. જેથી પ્રથમ સામાન્ય વરસાદમાં આરસીસી રસ્તાના બેહાલ થઈ ગયા છે. જેથી આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે.

આ અધુરૂ કાર્ય પુરૂ ન કરાતા ફળીયામાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. કાદવ કીચડમાં પડી જવાનો ભય રહેલો છે. તેમજ કાદવ કીચડને કારણે ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. જેની રજૂઆત કરવા જતા સરપંચ દ્વારા મનમાની અને ઉધ્ધત જવાબ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સદસ્યએ કર્યો છે. માટે તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ભાથીજી તેમજ પગીવગા ફળીયાના રહિશોની માંગણી છે.


Google NewsGoogle News