નડિયાદમાં રિંગરોડને જોડતા રસ્તાનું કામ ગોકળગતિએ ચાલતા ભારે રોષ
- બારકોશિયાથી નવા બિલોદરા તરફ રોડના કામથી હાલાકી
- વીજ કંપનીમાં રૂ. 38.20 લાખ ભરવા છતાં વીજ લાઈન ખસેડવામાં ઠાગાઠૈયા : ચોમાસા પહેલા કામ પૂરું કરવા માંગણી
નડિયાદના બારકોશિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હતો. જેથી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અઢી કરોડ રૂપિયાના ખર્ચે રોડનું કામ મંજુર કરવામાં આવ્યું છે. જે પૈકી આરસીસી રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે. ડામર રોડનું કામ તા.૧૪ જુલાઈ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની મુદ્દત દર્શાવવામાં આવી છે.
હાલમાં મેટલિંગની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ચોમાસા પહેલા કામ પૂર્ણ થશે કે કેમ તેને લઈ પ્રજામાં તર્ક વિતર્કો થઈ રહ્યા છે.
ઉપરાંત આ રોડ વચ્ચેની વીજ લાઈન થાંભલા ખસેડવા સત્તાધીશો દ્વારા તા.૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રૂ.૩૮,૨૦,૨૯૭ વીજ કંપનીમાં ભરવામાં આવ્યા છે. જેને પાંચ માસ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી વીજ લાઈન ખસેડવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ચોમાસા પહેલા ડામર રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી નગરજનોમાંથી માંગ ઉઠી છે.