હાઈકોર્ટની મંજૂરી બાદ નડિયાદ પાલિકા દ્વારા કાંસની સફાઈ શરૂ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
હાઈકોર્ટની મંજૂરી બાદ નડિયાદ પાલિકા દ્વારા કાંસની સફાઈ શરૂ 1 - image


- સામાન હટાવવાની સૂચના બાદ કાર્યવાહી

- ખાલી થયેલી દુકાનોના ગેપમાં પોલીસ બંદોબસ્ત અને વીડિયો રેકોર્ડિંગ સાથે ખોદકામ ચાલુ કરાયું

નડિયાદ : નડિયાદમાં સરદાર પ્રતિમા પાસેની દુકાનો નીચે કાંસ સફાઈ મામલે હાઈકોર્ટમાંથી લીલી ઝંડી મળ્યા બાદ નગરપાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. જે જગ્યાએ દુકાનોની વચ્ચે સફાઈ માટે ગેપ રાખવામાં આવેલા હતા, નગરપાલિકાએ પહેલા આ ગેપમાં ખોદકામ કરી અને સફાઈ આરંભી છે. સવારે જ સામાનને નુકસાન ન થાય તે માટે વહેલાસર દુકાનો ખાલી કરી નાખવા પાલિકાએ દુકાનદારોને જણાવ્યું હતું. જેથી દુકાનદારોએ દુકાનો ખાલી કરવાનું પણ શરૂ કર્યુ છે.

નડિયાદ સરદાર પ્રતિમા પાસેની દુકાનોમાં નગરપાલિકાએ કાંસ સફાઈ માટે રાખેલા ગેપ પર દુકાનદારોએ સ્લેબ ભરી અને બાંધકામ કરી દેતા કાંસની સફાઈ થતી નહોતી. નગરપાલિકાએ સફાઈ માટે દુકાનદારોને સામાન ખાલી કરી લેવા નોટિસ આપી હતી. બાદમાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. તા. ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે સુનાવણી થતા કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ દુકાનોમાં ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે પાલિકાને કાંસ સફાઈ કરવા નિર્દેશ કર્યા હતા. ત્યારે બુધવારે બપોર બાદ પાલિકાના અધિકારીઓ, ચીફ ઓફિસર અહીંયા આવી સફાઈની કામગીરીને પુનઃ શરુ કરાવી છે. પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ દુકાનોમાં ખોદકામ શરૂ કરી દેવાયું છે. અને પાલિકાના અધિકારીઓએ વીડીયો રેકોડગ પુરાવા સાથે વેપારીઓને દુકાનમાંથી સામાન દૂર કરવા જણાવ્યું હતું, જેના પગલે દુકાનદારો દ્વારા પણ અત્રે દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દેવાયું છે. નગરપાલિકાએ હવે આગામી ૧૪ દિવસમાં આ દુકાનોની નીચે કાંસની સફાઈ કરવાની રહેશે, તે બાદ દુકાનોનું સમારકામ કરી અને વેપારીઓને સુપ્રત કરવાની રહેશે. દરમિયાન કોઈ મોટી માથાકૂટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


Google NewsGoogle News